error: This Content is protected !!

વિછીયા પંથકમાં રૂ. ૨૫૦ લાખના ખર્ચે રીસર્ફેસ થનારા ભડલી-શનાળા રોડ તેમજ રૂ. ૨૦૦ લાખના ખર્ચે રૂપાવટી રોડ પર બનનારા સ્લેબ ડ્રેનનું મંત્રી કુંવરજીભાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

જસદણ-વિંછીયાના ધારાસભ્ય અનૅ કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભડલી ગામ ખાતે કિસાનપથ યોજના હેઠળ રૂ. ૨૫૦ લાખના ખર્ચે રીસર્ફેસ થનારા ભડલી-શનાળા રોડ તેમજ રૂપાવટી ગામ ખાતે રૂ. ૨૦૦ લાખના ખર્ચે બનનારા સ્લેબ ડ્રેનનુ ભૂમિનું પૂજન કરાયું હતું.

 આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભડલી ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શનાળા-વનાળા રોડ પર પુલ બની જશે. માધવીપુર-ભડલી રોડનું કામ ચાલી રહયું છે. ભડલીમાં સીમ શાળાઓ પણ છે. આમ, છેવાડાના ગામ ભડલીમાં આવશ્યક વિકાસ કામો થઈ રહ્યાં છે. જસદણ-વિંછીયા પંથકમાં સિંચાઈના કામો થયા છે, જેના પરિણામે ખેડૂતો સશક્ત થતાં આ વિસ્તાર પણ સમૃદ્ધ બનશે. આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, પીવાનું પાણી, રસ્તા-પુલના મોટા ભાગના વિકાસ કામો થતાં જસદણ-વિંછીયાનો સર્વાંગી વિકાસનો હેતુ પરિપૂર્ણ થશે.

 મંત્રી બાવળીયા એ ઉમેર્યું હતું કે 'વિકસિત ગામ, વિકસિત ગુજરાત, વિકસિત રાષ્ટ્ર'ના ધ્યેય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત સરકાર અનેક યોજનાઓના અમલીકરણ અને લોકભાગીદારીથી ગામડાંઓને વિકાસના પંથે લાવી રહી છે. જેના માટે યુવાનો રોજગારી મેળવે અને મહિલાઓ સ્વનિર્ભર બને, તે જરૂરી છે. આ સંદર્ભે આગામી દિવસોમાં ઉદ્યોગલક્ષી કેમ્પ-સેમિનારનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમોમાં મામલતદાર કાનાણી, ડેપ્યુટી એન્જીનીયર જયેશભાઈ રાઠોડ, આઇ.ટી.આઇ.ના રીનાબેન, વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, મહામંત્રી લાલજીભાઈ ગઢવી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.