જસદણના બરવાળા ગામે પૂર્વ પ્રેમીના ત્રાસથી વિધવા મહિલાઍ ઍસીડ ગટગટાવ્યું પૉલીસૅ ગુનો નોંધી તપાસ આદરી
મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ ઘરમાં ઘૂસી ધમાલ મચાવી બીભત્સ ફોટા વાયરલ કરવાની ગામ છોડી દેવાની ધમકી આપી
જસદણના બરવાળા ગામની વિધવા મહિલાએ પૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળી એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે ઝગડા થતાં મહિલાએ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા પ્રેમીએ ઘરે ધસી જઈ ધમાલ મચાવી બિભત્સ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપતાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાઈ હતી.
બરવાળા ગામે રહેતી વિધવા મહિલાએ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે તેના ગામમાં જ રહેતા વિપુલ વિનુભાઈ કુકડીયાનું નામ આપી જણાવ્યુ હતું કે, તેણીના પતિનું ત્રણ વર્ષ પૂર્વે નિધન થઇ ગયું હતું. જે બાદ દોઢેક વર્ષ પૂર્વે વિપુલ કુકડીયા સાથે ઇન્સ્ટાગ્રામથી પરિચય થતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જે બાદ બને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયા હતા.બાદમાં આરોપી સાથે ઝગડા શરૂ થતાં મહિલાએ સંબંધ તોડી નાખ્યા હતા.
જે મામલે પાછળથી સમાધાન પણ થઇ ગયું હતું. એકાદ માસ પૂર્વે ફરીવાર આરોપીએ મહિલાને સંબંધ રાખવાનું દબાણ કર્યું હતું. દબાણને વશ નહીં થતા આરોપીએ ઢીકા પાટુનો માર મારી તું મારી સાથે સંબંધ રાખ અથવા ગામ છોડી દે અથવા મરી જા તેવા શબ્દો કહ્યા હતા.
વધુમાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા શબ્દો ઉચ્ચારી તેણીના બિભત્સ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જે ત્રાસથી કંટાળી છેવટે વિધવાએ તેના ઘરે જ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.