આટકોટ પાસેથી કતલખાને લઈ જવાતું ઘેટાં - બકરા ભરેલ કન્ટેનર ઝડપાયું નવાગઢ થી મુંબઈ કતલખાને લઈ જતા ત્રણ શખ્સોની ધરપકડ
જીવદયા ફાઉન્ડેશનની ટીમનો પોલીસને સાથે રાખી દરોડો : 200 થી વધું જીવને કતલ થતાં બચાવી રાજકોટ પાંજરાપોળમાં રખાયા
રૂ.30.55 લાખનો મુદામાલ જપ્ત
આટકોટ પાસેથી કતલખાને લઈ જવાતું ઘેટાં-બકરા ભરેલ કન્ટેનર જીવદયા ફાઉન્ડેશન અને પોલીસની ટીમે પકડી પાડી 200 થી વધું જીવને કતલ થતાં બચાવી રાજકોટ પાંજરાપોળમાં રખાયા હતાં. પોલીસે પશુઓને નવાગઢથી મુંબઈ કતલખાને લઈ જતાં ત્રણ શખ્સોની ધરપકડ, કરી રૂ.30.55 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
બનાવ અંગે જસદણની બળધોઇ સીમ શાળા પાસે રહેતાં રોનકભાઈ નાથાભાઈ વાઢેર (ઉ.વ.23) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું કે, તેઓ ખેત મજુરી કરે છે અને છેલ્લા બે વર્ષથી જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટમા ગૌસેવાને લગતી સેવાકીય કામગીરી કરે છે.
ગઇ કાલે સાંજના સમયે તેઓ બળધોઈ ગામના પાટીયા પાસે હતા ત્યારે માહીતી મળેલ કે, ગોંડલ તરફથી એક ટ્રક કતલખાના માટેના ઘેટા-બકરા લઈ નિકળેલ છે અને તેને કતલખાને લઈ જઇ રહ્યા છે.જૅના ટ્રક નં. GJ-01-KT-7221 આટકોટ પાસેના ગોંડલ ચોકડી પાસેથી પસાર થનાર હોય જેથી ગૌ રક્ષકો કેતનભાઈ સંઘવી, મયુરસિંહ જાડેજા, બ્રીજેનભાઈ બાલધાને ફોનથી જાણ કરી તમામ ગૌરક્ષકો ગોંડલ ચોકડી પાસે રાતના હાજર હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રક નિકળેલ જે ટ્રકને સાઇડમાં ઉભો રાખવાનુ કેહતા ઉભો રાખેલ નહી અને પોતાની ટ્રક આટકોટ ગામ તરફ ભગાવી મુકેલ હતો.
જેથી ટ્રકનો પીછો કરી આટકોટ પોલીસ સ્ટેશન સામે રસ્તા ઉપર ઉભી રખાવેલ બાદ ટ્રકને ચેક કરતા ટ્રક કેબીનમાં ડ્રાઇવર સહીત ત્રણ શખ્સો બેસેલ હોય જેથી આટકોટ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવેલ અને ટ્રકના પાછળના ભાગે ચેક કરતા તેમા બે પોટેશન કરી નાના-મોટા ઘેટા-બકરાઓ ઉપર તથા નિચે ખીચોખીચ ભરેલ હતાં.
બાદમાં ટ્રકના ચાલકનું નામ પુછતા પોતે સાબીર હુશૈન કારવા (રહે.નવાગઢ સરકારી અનાજના ગોડાઉન પાસે, જેતપુર) અને સાથેના શખ્સે ઇલીયાસ ઓસમાણ કારવા (રહે. ચીતલ સરકારી દવાખાના પાછળ, બાબરા) તેમજ ત્રીજાએ ફારૂક કાસમ લાખાણી (રહે. નવાગઢ સરકારી ગેસ ગોડાઉન રોડ અનાજના ગોડાઉન પાસે) હોવાનું જણાવેલ હતું.
જે બાદ ટ્રકમાં જોતા ડબલ ડેકરના પાર્ટીશનમાં ખીચોખીચ નાના-મોટા ઘેટા-બકરાઓ ભરેલ અને ઘાસ ચારાની કે પાણીની કાઈ વ્યવસ્થા રાખેલ ન હોય જેથી ટ્રક ચાલક તથા સાથેના બન્ને શખ્સોને ઘેટા-બકરા સાથે ટ્રક ક્યાં લઈ જવાના હતા? તે બાબતે પુછતા તેઓ ઘેટા-બકરાઓના માલીક હોવાનું તેમજ ઘેટા બકરાઓ મુંબઇ દેવનાર મંડી ખાતે ઘેટા-બકરાની લે-વેચની બજારમાં લઇ જવાની હકીકત જણાવેલ હતી.
જેથી નાના-મોટા બકરા જીવ નંગ-13, નાના-મોટા ઘેટા જીવ નંગ-198 નો જીવ બચાવી કુલ રૂ.3055 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે બચાવેલ ઘેટા-બકરાને રાજકોટ પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલ છે અને હવે ત્યાંથી પશુઓની સાર સંભાળ કરવામાં આવશે.