error: This Content is protected !!

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કનેસરા તથા પાટિયાળીમાં કુલ ૮.૬૧ કરોડના ખર્ચે નિર્મિત બે નવી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું

લોકાર્પિત માધ્યમિક શાળામાં બાળકોના જીવનનું ઘડતર થશે યુવાનો નવી સ્કીલ શીખીને રોજગારદાતા બને એ માટે રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યું છ

 

 શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે જસદણ તાલુકાના કનેસરા ગામ ખાતે રૂ.૪.૪૨ કરોડના ખર્ચે નિર્મિત તથા વીંછિયા તાલુકાના પાટિયાળી ગામે રૂ.૪.૧૯ કરોડના ખર્ચે નિર્મિત નવી માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ નવી શાળાઓથી વિસ્તારના બાળકોને અભ્યાસ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે. 

 કનેસરા તથા પાટિયાળી ખાતે નવી માધ્યમિક શાળાની તકતીનું અનાવરણ કર્યા બાદ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો તેમજ બાળકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, નવનિર્મિત આ શાળામાં ભવિષ્યની પેઢી એવા બાળકોના જીવનનું ઘડતર થશે અને તેમના પરિવારનો ઉદ્ધાર થશે. 

 પોતાના શાળાકીય જીવનના અનુભવો અને પાંચ - છ દાયકા પહેલાની અભ્યાસની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે આ વિસ્તારને પછાત ગણવામાં આવતો હતો. એ બિરુદ ભૂંસવા, પરિસ્થિતિ બદલવા અને સૌ સમાજના કલ્યાણ માટે આ વિસ્તારમાં શિક્ષણની વધુમાં વધુ સુવિધાઓ ઊભી કરવા પ્રયાસ કર્યો છે. રાજ્યમાં સૌથી વધુ સીમ શાળાઓ અને જિલ્લામાં સૌથી વધુ માધ્યમિક શાળાઓ જસદણ - વીંછિયા પંથકમાં શરૂ કરવામાં આવી છે. 

 બાળકો સાથે સંવાદ કરતા મંત્રીશ્રીએ તેઓને સ્વચ્છતા કેળવવા સંદેશ આપ્યો હતો. આ સાથે ઉચ્ચ શિક્ષણ લઈને ભવિષ્યમાં ઉચ્ચ અધિકારી કે ઉજ્જવળ કારકિર્દી ઘડીને સમાજને મદદરૂપ થવા પ્રેરણા આપી હતી. 

 સંસ્કાર, શિક્ષણ અને ચારિત્ર્યને જ સાચી મૂડી ગણાવીને મંત્રીએ વાલીઓને અપીલ કરી હતી કે, બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપજો. જેથી તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને. 

 મંત્રીએ કહ્યું હતું કે, સિંચાઈ, પાણી, રોડ-રસ્તાઓ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ આપ્યા બાદ આ વિસ્તારને વધુ સમૃદ્ધ બનાવવા, ઉદ્યોગ અને ધંધાઓનો વધુ વિકાસ કરવા સાથે વધુમાં વધુ યુવાનો રોજગારી મેળવતા થાય એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. નવનિર્મિત માધ્યમિક શાળાને વિદ્યાર્થીઓએ ફૂલોથી સજાવી હતી, ફૂલોની રંગોળી અને ફુલ-પાનના ઝુલતા તોરણ વિદ્યાર્થીઓનો ઉમંગ દર્શાવતા હતા. કાર્યક્રમમાં શિક્ષક રીંકલ રૈયાણીએ સ્વાગત પ્રવચન જ્યારે સ્કૂલના આચાર્ય નિરેનભાઈ ભટ્ટીએ આભારવિધિ કરી હતી. જ્યારે પાટિયાળીમાં શિક્ષક સુશ્રી પૂજા દોંગાએ સ્વાગત પ્રવચન જ્યારે આચાર્યા સુશ્રી જયાબેન નંદાણીયાએ આભારવિધિ કરી હતી. 

 ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી, પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, મોઢુકા શાળાના આચાર્ય અભયસિંહ બારડ, જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર ભરતભાઈ પરમાર, જસદણ આઈ.ટી.આઈ.ના આચાર્યા સુશ્રી રીનાબેન જયારે પાટિયાળીમાં વિછીયા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, વીંછિયા મામલતદાર યુ.વી. કાનાણી, યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, સરપંચ જેન્તીભાઈ તાવિયા, આસપાસના ગામના સરપંચો, ગ્રામજનો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.