આટકોટના મોટા દડવા ગામે માતાએ 4 વર્ષની પુત્રી સાથે મંદિર પાસેના કૂવામાં ઝંપલવી જીવન લીલા સંકેલી લૅતા અરેરાટી
બ્લેકમેઇલિંગ અનૅ વ્યસનના દાવાનળને કારણે ઘટના બની હોવાની ચર્ચા ફાયર બ્રિગેડની ટીમે મૃત દેહોને બહાર કાઢ્યા
આટકોટના મોટાદડવા ગામે ગઈકાલ સવારથી ઘરેથી નીકળી ગયેલા માતા-પુત્રીના આજે બપોરે ગામના રામજી મંદિર નજીક આવેલા કૂવામાંથી
મૃતદેહ મળી આવ્યા છે. તપાસ અનુસાર પરિણીતાએ પોતાની 4 વર્ષની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે આટકોટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોટાદડવા ગામે રહેતા અને કડિયાકામ
કરતા અરવિંદભાઈ કાળુભાઈ છાપરા ના પત્ની નેહલબેન ઉ.વ. 30 અને તેમની 4 વર્ષની પુત્રી દેવાંગી ગઈકાલ સવારથી ઘરેથી કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ મોડી રાત સુધી બંનેની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો. આજે બપોરે ગામના રામજી મંદિર નજીક કૂવામાં બંનેના મૃતદેહ તરતા હોવાની જાણ થતાં જ ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયરની ટીમે સ્થળ પર પહોંચી પાણીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જસદણ એએસપી અને આટકોટ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરવિંદભાઈના માતા-પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું હોવાથી તેઓ પત્ની નેહલબેન અને પુત્રી સાથે જ રહેતા હતા. સંતાનમાં 4 વર્ષની દેવાંગી તેમની એકમાત્ર પુત્રી હતી. નેહલબેનનું માવતર ગોંડલના ખાંડાધાર ગામે આવેલું છે. પત્ની અને એક્માત્ર દીકરીની અકળ વિદાયથી અરવિંદભાઈ પરિવારમાં એકલા પડી ગયા.
આ ઘટના બ્લેકમેઇલિંગ અનૅ વ્યસનના દુષણથી બની હોવાની ચર્ચા છે આ અંગે મોટા દડવા ગ્રામ પંચાયતના સરપંચ ભુપતભાઈ વાળાએ જણાવ્યું હતું કે
મને મળતી માહિતી મુજબ એક યુવકનો વીડિયો બનાવી તેને બ્લેકમેઇલ કરી વ્યસન માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ મામલો પરિવાર સુધી પહોંચતાં
નેહલબેનને આઘાત લાગ્યો અને તેમણે પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે કૂવામાં ઝંપલાવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. જો બ્લેકમેઈલિંગ અને વ્યસન પાછળ જવાબદાર લોકો હોય તો તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સત્ય બહાર આવે તેવી મારી પોલીસ તંત્રને વિનંતી છે. પ્રેમ અંતમાં સરપંચ ભુપતભાઈ વાળાએ જણાવ્યું હતું