error: This Content is protected !!

પરિણીતાનું બાવડુ પકડી સાડી ખેંચી પાડોશીનો નિર્લજ્જ હુમલોઃ પુત્રીને પણ મારમાર્યો

જસદણના જંગવડ ગામનો બનાવઃ જૂની અદાવત અને ઘર પાસે માટી નાંખવાની ના પાડતાં જ પાડોશી પરીવાર તૂટી પડ્યોઃ ખૂનની ધમકીઃ દંપતી અને સસરા સામે ગુનો નોંધાયો

 

જસદણના જંગવડ ગામે પરિણીતાનું બાવડુ પકડી સાડી ખેંચી પાડોશીએ નિર્લજ્જ હુમલો કરી તેમની પુત્રીને પણ મારમારતા આટકોટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે જસદણના જંગવડ ગામે રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શીતલ કમલેશ નારીગરા, લખમણ રાઘવ નારીગરા અને કમલેશ લખમણ નારીગરા (રહે. ત્રણેય જંગવડ, જસદણ) નું નામ આપતાં આટકોટ પોલીસે નિર્લજ્જ હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પશુપાલનનો વ્યવસાય કરે છે. તેણીને સંતાનમાં બે પુત્રી- એક પુત્ર છે. સાડા ત્રણેક વર્ષ પહેલા તેમના પતિ, જેઠ, દિયર તથા સસરા મકાનની સામે રહેતા શીતલબેન નારીગરાએ એટ્રોસીટીની ફરીયાદ કરેલ હતી. જેમાં પતિ, જેઠ, દિયર અને સસરા કોર્ટમાંથી જામીન ઉપર છુટેલ છે. કોર્ટ દ્રારા તેઓને જંગવડ ગામમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવેલ હોય જેથી તેઓ જંગવડ ગામેથી ગુંદાળા(જામ) ગામની સીમમાં રહેવા જતા રહેલ હતાં.સાતેક દિવસ પહેલા સવારના તેણી જંગવડ ગામે ઘરે આંટો મારવા ગયેલ ત્યારે આ શીતલબેનના પતિ કમલેશ નારીગરા શેરીમાં મળેલ તો ગાળો બોલવા લાગેલ પરંતુ તેણી કાંઈ બોલેલ નહીં અને ઘરે આંટો મારી પરત તેઓ રહેતા હોય ત્યાં ગુંદાળા (જામ) ગામની સીમમાં જતી રહેલ હતી. તેણી જ્યારે પણ જંગવડ ઘરે કોઈ કામ સબબ જાવ ત્યારે આ શીતલબેન તથા તેનો પતિ કમલેશ અને સસરા લખમણ નારીગરા તેણીને જોઈને ગાળો બોલતા હોય છે. બાદ ગઈકાલે સવારના તેણી અને તેમની પુત્રીઓને જંગવડ ગામે અભ્યાસ કરવા માટે મુકવાની હોય જેથી જંગવડ ગામે કન્યા શાળાએ લીવીંગ સર્ટી આપવા માટે ગયેલ હતી. ત્યાંથી ગામમાં આવેલ ઘરે આટો મારવા ગયેલ તો મકાનની દિવાલે માટી તથા પથ્થરો નાખેલ અને હલાણનો દરવાજો તોડી નાખેલ જોવામાં આવતા શીતલબેનને કહેલ કે, તમે શુ કામે અમારા ઘરની દિવાલે માટી તથા પથ્થર નાખો છો? તો તે ગાળો બોલવા લાગેલ અને તેના સસરા લાકડી લઈ ઘર બહાર નિકળેલ અને કહેવા લાગેલ કે, માટી તથા કચરો તમારી દિવાલે જ નાખવો છે તારે જ્યા જાવું હોય ત્યાં જાજે તેમ કહી લાકડીનો એક ઘા પગમાં મારી ઝપાઝપી કરવા લાગેલ અને બાવડુ પકડી આબરૂ લેવાના ઇરાદે સાડી ફાડી નાખેલ હતી.આ વખતે દિકરી વચ્ચે પડતા શીતલબેને દીકરીને પકડી નીચે પછાડી દીધેલ અને તેને પણ ઢીકા પાટુનો માર મારેલ હતી. બંને મા-દિકરી જીવ બચાવી ભાગવા જતા આ લખમણએ પાછળથી પથ્થરનો છૂટો ઘા મારતા પગમાં ઇજા પહોંચી હતી. દરમિયાન શીતલ અને તેના સસરા લખમણ બન્ને કહેવા લાગેલ કે, તમે હવે તમારા ઘર બાર ભુલી જાજો અને હવે ક્યારેય અહીં દેખાયા છો તો જીવતા પાછા નહીં જવા દઇએ એટલુ યાદ રાખજો તેમ કહી ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે તપાસ આદરી હતી.