દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું ૧૨મું રાષ્ટ્રીય અધિવેશન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન
કેન્દ્રિય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બાંભણીયા સહીત દેશભરમાંથી કોળી સમાજના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદોશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા
તા. ૧૪/૦૬/૨૦૨૬, રવિવારના રોજ કન્સટીટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજ(રજી.), નવી દિલ્લીનું ૧૨મું રાષ્ટ્રીય અધિવેશન ભવ્યતા અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી કોળી સમાજના આગેવાનો, જનપ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, યુવા પ્રતિનિધિઓ તથા મહિલાઓ ૧૦૦૦ થી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના સર્વાંગી વિકાસ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. કેન્દ્રિય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં, રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સંમેલનમાં દેશભરમાંથી કોળી સમાજના સાંસદઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ રહ્યા ઉપસ્થિત.અધિવેશન દરમિયાન શિક્ષણ, રોજગાર, સામાજિક એકતા, મહિલા સશક્તિકરણ, યુવાનોને નેતૃત્વ માટે પ્રોત્સાહન, સમાજના આર્થિક ઉત્થાન તેમજ રાષ્ટ્રીય સ્તરે કોળી સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓ અને યુવાનોને નેતૃત્વ મળી રહે અને સમાજમાં કામ કરવાની તક મળી રહે તે માટે મહિલા વિંગ અને યુવા વિંગ શરુ કરવા ઠરાવ આ અધિવેશનમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો.
ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના વિકાસ માટે પરસ્પર સહયોગ અને સંકલન સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સમાજના હિતને સ્પર્શતા મુદ્દાઓને સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા માટે એકજૂટ પ્રયાસો કરવાની હાકલ કરવામાં આવી હતી.
અધિવેશનમાં સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને સમાજના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે પૂર્ણ થયો હતો.