error: This Content is protected !!

જસદણની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત પરિવારે ગંભીર આક્ષેપો કરતા ફોરેન્સિક પીએમ કરાયું

આલ્ફા નવોદય સૈનિક હોસ્ટેલમાં મૃતક આયુષી બલદાણીયા નૅ 2 મહિનાથી પરિવાર સાથે સંપર્ક ન કરવા દેવાયૉ સંચાલકો સામે જડ નિયમૉ અને ઘોર બેદરકારી નૉ આક્ષેપ 

 

 12 દિવસથી તાવ - અછબડા હતા તો પરિવારને કેમ જાણ ન કરાઈ? : સારવાર કરાવી હતી કે નહીં? : સાર સંભાળ કોણ રાખતું? : પરિવારને જાણ ન કરવાનું કારણ શું?

 

 

જસદણની આલ્ફા નવોદય સૈનિક શાળાની હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતા પરિવારે આક્ષેપો કર્યાં હતા. ભાવનગરના મહુવા નજીક આવેલા મોટા જાદરા ગામની બાળકીના અચાનક મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકીના મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાયું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામમાં રહેતા રમેશભાઈ નરશીભાઈ બલદાણીયાની પુત્રી આયુષી(ઉં.વ.10) જસદણમાં ચીતલીયા કુંવા રોડ પર આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતી હતી અને અહીં હોસ્ટેલમાં જ રહેતી હતી. ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ તેની તબિયત લથડતા જસદણની કોટડીયા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જ્યાંથી 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી, અહીં ફરજ પરના ડોક્ટરે આયુષીને મૃત જાહેર કરી હતી. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બનાવ અંગે તત્કાલ જસદણ પોલીસને જાણ કરી હતી. જસદણ પોલીસ રાજકોટ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે, આયુષી ધો. 5મા અભ્યાસ કરતી હતી. ગત 27 એપ્રિલથી તે હોસ્ટેલમાં રહેતી હતી. અચબડા - તાવ આવ્યો હતો. 

મૃતકના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. પિતા રમેશભાઈએ આક્ષેપ કરતા જણાવેલ કે, હોસ્ટેલે મુક્યા પછી દીકરી સાથે મળવા અને તેની સાથે ફોન પર વાત કરાવવા વિનંતી કરી હતી. શાળાના નિયમો આગળ ધરી બે મહિના પૂર્ણ થયા પછી જ મુલાકાત અથવા વાતચીત થશે તેમ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું. તેમ છતાં વારંવારની વિનંતી બાદ માત્ર એક ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો હતો.

ગઈકાલે બપોરે શાળાના ટ્રસ્ટી હિરેનભાઈ સંઘાવડાનો ફોન આવ્યો કે, આયુષી બીમાર છે. તેની તબિયત ગંભીર છે. અમે તેને રાજકોટ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. તમે તાત્કાલિક ત્યાં પહોંચો. અમે પરિવારજનો તત્કાલ ત્યાં પહોંચ્યા. અહીં પહોંચતા ખબર પડી કે, આયુષીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. 

આ ખબર જાણી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આક્રોશ સાથે હૈયા ફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા. પરિવારે પ્રશ્ર્નો ઉતાવ્યા. જેમાં 12 દિવસથી તાવ અને અછબડા હતા તો પરિવારને કેમ જાણ ન કરાઈ? શાળા મેનેજમેન્ટે બીમાર આયુષીની સારવાર કરાવી હતી કે નહીં? જો સારવાર કરાવી હોય તો કઈ હોસ્પિટલમાં કરાવી? પરિવારને જાણ ન કરવાનું કારણ શું? બીમારીના 12 દિવસ આયુષીની સાર સંભાળ કોણ રાખતું હતું?

તેની સાર સંભાળ માટે કોઈ કાળજી લેવાઈ હતી કે કેમ? વગેરે સવાલો ઉઠ્યા છે. રમેશભાઈ ખેતી કામ કરે છે. આયુષી એક ભાઈ અને એક બહેનમાં નાની હતી. ભાઈની એકની એક લાડકવાયી બહેનના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો. આક્ષેપો થયા હોવાથી ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. પીએમ બાદ મોતનું સ્પષ્ટ કારણ જાણી શકાશે.