error: This Content is protected !!

જસદણમાં 11 વર્ષના બાળક સહીત માતા-પિતાને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ કારથી ટક્કર મારતા બાળક અને દંપતી ઘાયલ

જેઠાણીના ચારિત્ર અંગે દેરાણીએ અશોભનીય વાતો કરતાં બંને વચ્ચે ઝઘડો થયો અને નાનો ભાઈ કાર લઈ બેફામ બન્યો પાવડા થી પણ હુમલા નો પ્રયાસ  

 

 

જસદણના 11 વર્ષીય બાળક સહિત માતા પિતાને કાર તળે કચડી મોતને ઘાટ ઉતારી દેવાનો સગા નાના ભાઈએ પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે જસદણના હરેકૃષ્ણનગર-2, ગંગાભુવનમાં રહેતા 38 વર્ષીય યુવાન સુખદેવભાઈ સામતભાઈ પોયલાએ આરોપી તરીકે સગાભાઈ વિજય સામત પોયલાનું નામ આપતાં જસદણ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. પત્નીનું નામ હિરલ છે. છેલ્લા બાર વર્ષથી તેઓ અને તેનો નાનો ભાઈ જસદણ ગંગાભુવનમાં આવેલ મકાનમાં સાથે જ રહે છે. નાના ભાઈ વિજયની પત્ની સોનલ સગા સબંધીઓને ફરીયાદીની પત્ની હિરલના ચારિત્ર્ય બાબતે અવાર-નવાર ખરાબ વાતો કરતા હોય જેથી તેની પત્નીને સોનલ સાથે ગઈકાલે બપોરના એક વાગ્યાની આસપાસ ઘરે બોલાચાલી થયેલ હતી. બપોરે દોઢ વાગ્યે ફરીયાદી દંપતી અને પુત્ર દેવ (ઉ.વ.11) બાઈક લઈ ખાટકી ચોકમાં રહેતા કાકા કેશુભાઈના ઘરે જવા નીકળ્યા હતા. ભૂતડા દાદાના મંદીરવાળી શેરીમાં પહોંચતા સામેથી નાનો ભાઈ તેની કાર નં- જીજે-01-કેએ-2343 ફુલ સ્પીડમા ચલાવીને આવતો હોય જેથી બાઈક સાઈડમાં દબાવીને ચલાવેલ હતું. છતાં નાનો ભાઈ વિજય પરિવારને મારી નાખવાના ઇરાદે તેની ફોરવ્હીલ ગાડી ફુલ સ્પીડમા ચલાવી ઈરાદાપૂર્વક બાઇકને ટક્કર મારી હતી. 

જેથી તેઓ ત્રણેય નીચે પડી ગયેલ હતા. બાદ વિજય કારમાંથી લોખંડનો પાવડો લઈને ઉતર્યો હતો અને યુવક અને પત્ની પર હુમલો કરવા ધસી આવ્યો હતો. જો કે આસપાસના લોકો વચ્ચે પડતા વિજય તેની કાર મૂકીને જતો રહ્યો હતો.

બાદમાં દંપતી અને પુત્રને સારવાર અર્થે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા યુવાનને પગના સાથળમાં ફ્રેક્ચર થયાનું તબીબે જણાવ્યું હતું. જયારે યુવાનની પત્ની અને પુત્ર દેવને પણ ઇજા થયાનું તબીબે જણાવ્યું હતું. 

બનાવ અંગે જસદણ પોલીસની ટીમે યુવાન અને તેના પરિવારજનોને કાર તળે કચડી નાખી ખૂનની કોશિશ કરનાર સગા ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.