વિછીયા નું ગૌરવ સંઘર્ષથી સફળતા મજુરી કામ અને દાડીએ જતા કોળી પરિવારનો પુત્ર ધવલ સરકારી નોકરી મેળવી ક્લાર્ક બનતા પંચાળ વિકાસ બોર્ડ દ્વારા સન્માન
સંઘર્ષ થી સફળતાના દ્વાર સુધી પહોંચતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ધવલ ખીહડીયા ને ફૂલડે વધાવી દિવ્ય અને ભવ્ય સન્માન કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેરછાઓ પાઠવી.
ધવલભાઈ ખીહડીયા રાજકોટ જિલ્લા તિજોરી કચેરી ખાતે જુનિયર કલાર્ક તરીકે પસંદગી પામ્યાં.
એક ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવતા ધવલ ખીહડીયાએ પોતાના જીવનમાં ચઢાવ ઉતાર અનેક વખત નિષ્ફળતા અને બાળપણ થીજ વેંઠેલી પરિસ્થિતિનો ચિતાર અને જીવનની સંઘર્ષ ગાથા વિનોદભાઈ વાલાણી સમક્ષ વર્ણવી હતી જેના આ શબ્દો સાથે છે.
સતત પાસ થતો હું નિષ્ફળતાનાં રથ પર બેસી ગયો.... પછી થયું એવું કે....
આમ તો નાનપણથી જ શિક્ષણ પ્રત્યે મને ખૂબ જ લગાવ રહ્યો છે. છેક કોલેજ સુધી હું સતત સારા ગુણથી પાસ થતો રહ્યો હતો. પણ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનાં ક્ષેત્રમાં આવ્યો ત્યારથી ડગલે ને પગલે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તમે વિચારો કે સતત સફળતાનાં રથ પર સવાર વિદ્યાર્થી જ્યારે નિષ્ફળતાનાં રથમાં બેસી જાય તો કેવું અનુભવતો હશે. પરિવાર એક સામાન્ય હતો, જેથી બહાર શહેરોમાં જઈને મોંઘી ફી ભરીને તૈયારી કરવાનો તો કોઈ અવકાશ જ નહોતો. મારા પિતા એક મજૂર છે અને મારાં માતા ખેતરોમાં મજૂરી કામ (દાડી કામ) કરે છે. આ પરિસ્થિતિ જ રોજ મને પ્રેરણા આપતી સરકારી નોકરી મેળવવા માટે... હું પ્રથમવાર પંચાયત જુનિયર ક્લાર્કનું પેપર આપવા ગયેલો અને રસ્તા પર જ સમાચાર સાંભળ્યા : ' પેપર ફૂટી ગયું છે '. આ પરિસ્થિતિ મારા માટે ' પ્રથમ ગ્રાસે મક્ષિકા " જેવી હતી.આ મારા મનોબળની પણ કસોટી હતી. કારણ કે પેપર ફૂટ્યાં બાદ આ પેપર લેવાતાં 2-3 મહિના જેવો સમય લીધો હતો. આ પરીક્ષા પહેલાં પણ 2-2 મહિનાનો સમયગાળો લંબાવીને 1-2 વર્ષ વીતી ચૂકેલો અને ઉપરથી પેપર ફૂટ્યું એટલે થોડો સમય વધુ પરીક્ષા પાછળ ધકેલાઈ. શરૂઆતમાં તો પેપર પૂછવાની પદ્ધતિ ફેક્ટ મુજબની જ હતી જેની મેં એ મુજબ તૈયારી કરી હતી. પેપર ફૂટવાને કારણે પેપરો વિધાનવાળાં અને જોડકાંવાળાં આવવાનું શરૂ થયેલાં . જેથી હું જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષામાં નાપાસ થયેલો. ત્યારે ઘણાં લોકોએ મને કહેલું કે હવે તૈયારી મૂકી દે, પ્રાઈવેટ નોકરી શોધી લે. પણ મને ખબર હતી હું પાસ થઈને જ રહીશ. ત્યારબાદ થોડાં જ દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને હાઈકોર્ટ પટાવાળાની ભરતી આવી અને ફરી પાછો તૈયારીમાં લાગી ગયો. પણ થયું એવું કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની પ્રિલિમ્સમાં 0.8 ગુણથી નાપાસ થયો અને હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષામાં 79 ગુણ આવેલાં અને થોડાં જ ગુણથી નાપાસ થયેલો. ત્યારબાદ તો લગભગ હું લક્ષ્યહીન જ થઈ ગયેલો. કાંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું પણ છતાં મેં મજબૂત મન રાખીને તૈયારી ચાલુ રાખી. પ્રથમવાર મેં GPSC DySo ની પરીક્ષા આપેલી. જોકે એની મેં પ્રોપર તૈયારી નહોતી કરી એટલે માત્ર 96 ગુણ જ આવેલાં. 11 ગુણથી પ્રિલિમ્સ નાપાસ થયો. ત્યારબાદ STI ની પરીક્ષા આપી એમાં પણ હું નાપાસ થયો. સતત પાસ થતો હું સતત નાપાસ થવા લાગ્યો અને ધીમે ધીમે મનોબળ પણ તૂટવા લાગેલું, પણ છતાં ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી માટે બેઠો થયો. લગભગ 4-5 મહિના જનરલ તૈયારી કરી અને CCE ની પરીક્ષાની જાહેરાત થઈ. એક ચેલેન્જ પણ આવ્યું.... 70 ગુણનાં ગણિત-રિજનીંગનું... મેં મારો અડધો દિવસ આ વિષયોને આપી મજબૂત બનાવ્યાં... અંગ્રેજી પણ દિવસેને દિવસે મજબૂત બનાવતો ગયો... ગુજરાતી રસનો વિષય હતો જ, એટલે હું પ્રિલિમ્સ પાસ થયો અને Group A અને Group B મેન્સ પરીક્ષા માટે સિલેક્ટ થયો. ત્યારબાદ મેં Group A ની પરીક્ષા માટે જીવનમાં પ્રથમ વખત લેખિત પરીક્ષાનો અનુભવ કર્યો. જોકે એની પ્રોપર તૈયારી નહોતી, છતાં ગુજરાતી અને અંગ્રેજીનાં પેપરમાં પાસ થયો પણ જનરલ નોલેજનાં પેપરમાં 1 ગુણ ઓછો આવવાથી Group A ની પરીક્ષામાં પણ નિષ્ફળતા મળી. ત્યારબાદ Group B પરીક્ષાનાં દિવસો નજીક આવતાં ગયાં. આ પરીક્ષા કોર્ટમાં અટવાયેલી હતી. જેનાં કારણે દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયેલો . પણ છતાં મેં ધીરજ સાથે સખત મહેનત કરી. આ વખતે નાપાસ થવાનું જ નહોતું. કારણ કે મેં ઘરે કીધું હતું કે આ વખતે પાસ નહીં થાવ તો ક્યાંક પ્રાઈવેટ જોબ કરીશ... એટલે એકપણ વિષયને ગૌણ નહોતો માનતો. બધાં વિષયોને સરખો ન્યાય આપીને બધાં પ્રકારની પ્રેક્ટિસ કરીને આખરે પરીક્ષાનો દિવસ આવ્યો. ઘરેથી જ્યારે નીકળ્યો ભગવાનને દિલથી પ્રાર્થના કરી, " હવે બધું તમારા હાથમાં છે " પપ્પા તો ઘરે નહોતાં પણ બા અને મોટાં બા ઘરે હતાં અને તેમનાં આશીર્વાદ લીધાં. બા આશીર્વાદ દેતાં દેતાં રડવા લાગેલાં... કદાચ આ આંસુએ મને ઘણું બધું સમજાવી દીધું સમજાવી દીધું હતું. ત્યારબાદ મેં પરીક્ષા આપી અને સમગ્ર ગુજરાતમાં 163મું સ્થાન મેળવીને જુનિયર ક્લાર્ક નોકરી મેળવી.
આ સંઘર્ષ મારા એકલાનો નહોતો. આ પરિવારે પણ મને ઘણી મદદ અને હિંમત આપેલી. મારાં ભાઈ, બહેનો અને ઘણાં બધાં નજીકનાં સંબંધીઓની પ્રાર્થના આખરે રંગ લાવી...
સતત સફળતા, સતત નિષ્ફળતા અને ફરી પાછી " સફળતા " ... ખરેખર આ સફર રોલર, કોસ્ટર, રાઈડ જેવી હતી...
વિછીયા ગામનું ગૌરવ અને કોળી સમાજનું અણમોલ રતન ધવલભાઇ ખીહડીયા ને ત્યારબાદ બાદ મેં રેવન્યુ તલાટીની પરીક્ષા આપી એમાં પણ 793માં સ્થાને પ્રિલિમ્સ પાસ કરી અને સારી રીતે મેન્સની પરીક્ષા આપી...
હજું પણ હું થંભ્યો નથી, હાર્યો નથી, આ સફર જારી રહેશે તેમ અંતમાં ધવલભાઇએ જણાવ્યું હતુ.
કહેવત છે કે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે, ખરેખર સંઘર્ષ તમને ઠકવાડે જરૂર છે પણ અંદરથી મજબુત બનાવે છે, સંઘર્ષ છે તો સફળતાં છે, સંઘર્ષ અને સફળતા વચ્ચે ફક્ત સંયમ નોજ અંતર હોય છે.
વિછીયા ગામનું ગૌરવ અને કોળી સમાજનું અણમોલ રતન ધવલભાઇ ખીહડીયાની નિમણૂકથી ઠેર ઠેરથી શુભેરછાઓનો વરસાદ વરસી રહ્યો છે,અને નવી પેઢીને પ્રેરણાત્મક સંદેશ મળી
રહ્યો છે.