error: This Content is protected !!

ખેડૂતોએ ચોમાસા માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ ખાનગી વિક્રેતાઓ પાસે જ ખરીદવાનો આગ્રહ રાખો 

 

 ખેડૂતોએ ચોમાસાની ઋતુ માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે. જેના માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાઇસન્સ / પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાઇસન્સ / પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટ્સની ખરીદી કરવી જોઈએ નહીં, જેથી છેતરપિંડીથી બચી શકાય.આ ઉપરાંત, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાઇસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલા ઇનપુટનું નામ, લોટ નંબર વગેરે વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલી હોય તેવા ઇનપુટની ખરીદી કરવી જોઈએ નહીં. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. અનધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા રાજકોટ નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.