સરધારના કાળીપાટ પાસે સપ્તાહ પહેલા દૂધનો ટેમ્પો ઉંધો વળતાં ઘવાયેલા જસદણ પંથકના યુવાનનું મોત
અગાઉ પૌઢનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું 10 ને ઇજાઓ થઈ હતી સારવાર દરમિયાન સુરેશભાઈ ઉધરેજીયાએ દમ તોડયો
સરધારના કાળીપાટ નજીક ગત ૩૦મીએ રાતે નવેક વાગ્યે દૂધનો ટેમ્પો પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા જસદણના દહીંસરાના ખેડુત-દૂધના ધંધાર્થી પ્રૌઢનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જ્યારે ટેમ્પોમાં મુસાફર તરીકે બેઠેલા મૂળ દહીંસરાના અને હાલ સુરત રહેતાં પતિ-પત્નિ, તેના ત્રણ બાળકો, દૂધના અન્ય વેપારી, મજૂરો સહિત ૧૦ને ઈજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. આ ઇજાગ્રસ્તોમાંથી વધુ એક યુવાનનું મોત થયું છે જાણવા મળ્યા મુજબ કાળીપાટ નજીક ૩૦મીએ રાત્રીના નવેક વાગ્યે દૂધના કેન ભરેલો ટાટા-૪૦૭ ટેમ્પો પલ્ટી મારી જતાં રોડ પર દૂધની રેલમછેલ થઈ ગઈ હતી. ટેમ્પોમાં પાછળ મુસાફર તરીકે અને મજૂર-હેલ્પર તરીકે બેઠેલા દસથી બાર લોકોને ઈજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અકનું મૃત્યુ થયું હતુ. મૃતકની ઓળખ જસદણના દહીંસરાના ભીમાભાઈ કરસનભાઈ મકવાણા ઉ.વ.૫૫ તરીકે થઈ હતી.અન્ય ઈજાગ્રસ્તોમાં સુરત રહેતાં જીતેશભાઈ ઉર્ફે અનીલભાઈ ધીરૂભાઈ પરમાર (ઉ.વ.૩૫), તેના પત્નિઅંજલીબેન જીતેશભાઈ પરમાર ઉ.વ.૩૨ તેના ત્રણ બાળકો મીતલ ઉ.વ.૮ નતાશા ઉ.વ.૨। અને કાર્તિક ઉ.વ.૪ તેમજ વડાળીના મહેશ ઉર્ફે ગોપાલ દેવીદાસભાઈ ગોંડલીયા ઉ.વ.૨૭ પ્રવિણભાઈ કરસનભાઈ ચાવડા ઉ.વ.૪૫ વડાળીના માવજીભાઈ ગોપાલભાઈ લીંબડીયા ઉ.વ.૫૫ અમર વિજયભાઈ રાઠોડ ઉ.વ.૨૨ સુરજ ઉર્ફે સુરેશ ધીરભાઈ
ઉધરેજીયા (ઉ.વ.૩૦)ને સારવાર માટે દાખલ કરાયા હતાં. જેમાં સારવાર દરમિયાન જસદણ પંથકના સુરજ ઉર્ફે સુરેશનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.