error: This Content is protected !!

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયાના ઘેલો નદી પર રૂ. ૧.૭૯ કરોડના ખર્ચે નિર્માણાધિન ભડલી-૦૧ ચેકડેમ કમ કોઝવેનું ભૂમિપૂજન કર્યું

રગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભડલી ગામમાંથી પસાર થતી ઘેલો નદી પર રૂ. ૦૧ કરોડ ૭૯ લાખના ખર્ચે નિર્માણ પામનારા ભડલી-૦૧ ચેકડેમ કમ કોઝવેનું વિધિવત્ ભૂમિપૂજન કર્યું હતું. 

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ભડલી-૧ ડેમમાં અંદાજે ૫૭ લાખ લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે. આ યોજનાથી ભડલી અને તેની આસપાસના ગામોની આશરે ૩૫-૪૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે. આ ડેમના કારણે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને સ્થાનિક કૂવાઓ રિચાર્જ થશે. અહીં બનનારો કોઝવે વિંછીયા તાલુકાના સનાળા ગામ અને ગઢડા તાલુકાના વિરાવડી અને રોજમલ ગામ વચ્ચેના પરિવહન માટે ઉપયોગી સાબિત થશે. ભડલી ગામમાં 'સીમ શાળાઓ' ઉપલબ્ધ હોવાથી વાડી વિસ્તારના બાળકોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે. હાલ આ પંથકમાં પીવાનું પાણી, સિંચાઈ, રસ્તા અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોના મોટાભાગના વિકાસ કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. રાજ્ય સરકાર જનકલ્યાણના કાર્યો માટે કટિબદ્ધ છે, ત્યારે જસદણ-વિંછીયા પંથક સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. કાર્યપાલક ઇજનેર મિતેશભાઈ મોવાલિયાએ શાબ્દિક સ્વાગત, અગ્રણી જેઠાભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદ્બોધન, નાયબ કાર્યપાલક ઇજનેર હાર્દિકભાઈ પીપળીયાએ આભારવિધિ અને પ્રોફેસર હિંમતભાઈ મકવાણાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવભાઈ દવે સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.