અમરાપુર શૈક્ષણિક સંસ્થામાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ'નો પ્રારંભ
સ્કીલ બેઝ્ડ કોર્સ જરૂરી છે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા પ્રથમ વખત જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે નિઃશુલ્ક તાલીમ હાથ ધરાઈ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે 'ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ'નો પ્રારંભ કરાયો છે. ગુજરાત સરકારના શ્રમ ખાતાં અંતર્ગત અમદાવાદની મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા આયોજિત આ ટૂંકાગાળાનો અભ્યાસક્રમ અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે આગામી તા. ૨૨ મે સુધી કાર્યરત રહેશે, જેનો હેતુ ગ્રામીણ યુવાનોને રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ કરવાનો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, યુવા રોજગાર સજ્જતા કાર્યક્રમનો આશય ધોરણ ૧૦ કે ૧૨ પાસ કર્યા પછી કઈ દિશામાં આગળ વધવું, તેની મૂંઝવણ અનુભવતા યુવાનોને માર્ગદર્શન આપી નોકરી કે વ્યવસાય કરવા માટે તૈયાર કરવાનો છે. આ કોર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી, યુવાનો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજગારી મેળવી શકે. આ વિસ્તારના દીકરા-દીકરીઓ પગભર બને, તેવા ઉદ્દેશથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.આજના સમયમાં સ્કીલ બેઝ્ડ કોર્સ કરવા ખૂબ જરૂરી છે. સ્થાનિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, જમીન માપણી, ફાયર સેફ્ટી અને સેનિટરી ઇન્સ્પેક્ટર જેવા આધુનિક કોર્સનું આયોજન છે, જે વ્યાજબી દરે કે વિનામૂલ્યે શીખવવામાં આવશે. આઇ.ટી.આઇ.માં બહેનો માટે બ્યુટી પાર્લર જેવા કોર્સની પણ સુવિધા છે. આ તમામ કોર્સ સરકારી પ્રમાણપત્ર સાથેના હોવાથી ભવિષ્યમાં નોકરી મેળવવામાં અને સ્વરોજગાર ઊભો કરવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી, ત્યારબાદ મંત્રીશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરીને તેમનું અભિવાદન કરાયું હતું. આ અવસરે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. મિશાબેન વ્યાસે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. સુમનબેન વૈષ્ણવે આ તાલીમની રૂપરેખા અને તેના મહત્વ વિશે સમજ આપી હતી.