મંત્રી બાવળિયાના પ્રયાસોથી જસદણ આઈ.ટી.આઈ.માં હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, સર્વેયર જમીન માપણી ના કોર્ષ શરૂ
આઈ.ટી.આઈ. ના માધ્યમથી બે વર્ષમાં ૫૦૦થી વધુ યુવકોને મળી રોજગારી ૩૮૦ યુવાનોએ આત્મનિર્ભર બની મેળવી સ્વરોજગારી
જસદણ અને વીંછીયા પંથકના યુવાનો માટે કૌશલ્ય વર્ધન સાથે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે. જસદણ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષથી આધુનિક સમયની માંગને અનુરૂપ નવા ત્રણ ટ્રેડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સંસ્થાના પ્રિન્સિપાલના સઘન પ્રયાસોથી આ મંજૂરી મળી છે. અત્યાર સુધી જસદણ આઈ.ટી.આઈ.માં મિકેનિકલ ડીઝલ, વાયરમેન, ઈલેક્ટ્રીશિયન, ફીટર, વેલ્ડર અને કોપા જેવા પરંપરાગત કોર્સ ચાલતા હતા. પરંતુ હવે બદલાતા સમય સાથે કોસ્મેટોલોજી(બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સર્વેયર (જમીન માપણી)ના કોર્સ શરૂ થયા છે. જસદણ આઈ.ટી.આઈ. ખાતે શરૂ કરવામાં આવેલા નવા કોર્ષોમાં વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ વિશેષ સહાય મળે તે માટે સરકાર દ્વારા વિવિધ રાહતો આપવામાં આવી રહી છે. કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર)નો એક વર્ષીય કોર્ષ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેથી બહેનો અને યુવતીઓ સરળતાથી કૌશલ્ય આધારિત શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની શકે.ઉપરાંત, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સર્વેયર (જમીન માપણી) જેવા રોજગારલક્ષી કોર્ષ માટે એસ.સી. - એસ.ટી. વર્ગના વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે ઓ.બી.સી. અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે માત્ર રૂ. ૧૦૦ પ્રતિ માસ મુજબ એક સેમેસ્ટરની ફી રૂ. ૬૦૦ રાખવામાં આવી છે. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ એક વર્ષનો છે, જ્યારે સર્વેયરનો કોર્ષ બે વર્ષનો રહેશે. જસદણ આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ શ્રી કે. એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ આધુનિક ટેકનિકલ શિક્ષણ મળે અને તેઓ આત્મનિર્ભર બને તેવા હેતુથી આ નવા કોર્સ મંજૂર કરાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૦૯થી કાર્યરત જસદણ આઈ.ટી.આઈ. પંથકના યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. છેલ્લા બે વર્ષદરમિયાન ૫૦૦થી વધુ ઉમેદવારોને પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મળી છે. ૩૮૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી 'સ્વરોજગાર' મેળવ્યો છે.