બાજરાના રોટલા બનાવતા ન આવડયા તો જસદણમાં એન્જીનીયર પતિએ પરિણિતાને માર માર્યો
રાજકોટમાં માવતર ધરાવતા નગ્માબેન તરકવાડીયા સિવિલહોસ્પિટલમાં દાખલ
જસદણમાં રોટલા બનાવતા ન આવડયા તો એન્જીનીયર પતિએ પરિણિતાને માર માર્યો હતો. રાજકોટમાં માવતર ધરાવતા નગ્માબેન તરકવાડીયાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, નગ્માબેન મોહસીનભાઈ તરકવાડીયા (ઉંમર વર્ષ ૨૭, રહે. સૈયદ ચોક, જસદણ) તા. ૯ ના રોજ રાત્રે ૧૦ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પતિ મોહસીને ઝઘડો કરીને માર મારતા ઈજા થતા પ્રથમ જસદણ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પછી ગઈકાલે રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા. નગ્માબેને જણાવ્યું કે, તેમના પિતા ફિરોજભાઈ ભાડુલા રાજકોટમાં જુના મોરબી રોડ ઉપર આવેલ ચામડીયાવાસમાં રહે છે.બે વર્ષ પહેલા તેમના નિકાહ જસદણના રહેવાસી મહંમદભાઈના દીકરા મોહસીન સાથે થયા હતા. મોહસીન સિવિલ એન્જિનિયર છે. ત્રણ-ચાર દિવસ પહેલા તેના સાસુ રોશન બેને રોટલા બનાવવા માટે કહ્યું હતું સાત રોટલા બનાવ્યા હતા પરંતુ તે બગડી ગયા હતા સરખા બન્યા નહોતા. સાસુને ખ્યાલ હતો કે નગ્માને બાજરાના રોટલા બનાવતા આવડતું નથી. છતાં બનાવના દિવસે રોટલા બનાવવાનું કહેતા નગ્માએ કહ્યું હતું કે, તમે જ રોટલા બનાવી નાખો. સાસુ વહુ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી આ પછી પતિ ઘરે આવતા તું કેમ મારા માતા સામે બોલે છે તેમ કહીને પતિ મોહસીને ઝઘડો કરી માર માર્યો હતો. બનાવા અંગે પોલીસે પરણીતાનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.