error: This Content is protected !!

જસદણ પાસે ખેતરમાંથી ૭૪ કિલો ગાંજો જપ્ત, ગોંડલમાં ૩૦૦ ગ્રામ મેફેડ્રોન જપ્ત ડ્રગ્સ નાબૂદી માટે કડક પગલાં

જિલ્લા નાર્કો કોર્ડિનેશન સેન્ટર કમિટીની બેઠક યોજાઈઃ શાળાઓ પાસે નશાકારક વસ્તુઓનું વેચાણ રોકવા વધુ કડક કાર્યવાહી ના આદેશ 

 

 રાજકોટ જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે. જિલ્લામાં માર્ચ-એપ્રિલ માસમાં એન.ડી.પી.એસ. કાયદા (નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ ૧૧ કેસો કરીને નશાકારક વસ્તુઓ જપ્ત કરી, આરોપીઓ સામે કડક પગલાં લેવાયા છે.જિલ્લા નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર કમિટીની બેઠક આજે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં એસ.ઓ.જી. તરફથી ડ્રગ્સના દૂષણ સામે થયેલી કાર્યવાહીની વિગતો આપતા જણાવાયું હતું કે, જિલ્લામાં માર્ચ તથા એપ્રિલ માસમાં એન.ડી.પી.એસ. અંતર્ગત કુલ મળીને ૧૧ કેસો કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જણાવાયું હતું કે, જસદણ પોલીસ સ્ટેશનમાં વિંછીયાના ભડલી ગામના રમેશભાઈ રતાભાઈ જાદવ (ઉ.૪૦, ધંધો-ખેતી)ના ખેતરમાંથી લીલા ગાંજાના છોડનો રૂ. ૩૧.૧૦ લાખની કિંમતનો કુલ ૭૪.૨૦૦ કિલો જથ્થો જપ્ત કરી આરોપી સામે કડક કાર્યવાહી કરાઈ છે. 

 જ્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ મોહમદ કાસીમ (રહે. ધોરાજી), શકીલ કાદરભાઈ જેઠવા (રહે. વેરાવળ સોમનાથ), રિયાઝ કાદરભાઈ ભુવર (રહે. ધોરાજી) તથા અરમાન કામીલભાઈ સીપાઈ (રહે. માંગરોળ)ને માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.)ના કુલ કિ.રૂ. ૯,૦૩,૦૦૦ની કિંમતના ૩૦૧ ગ્રામ જથ્થા સાથે ઝડપીને કડક કાર્યવાહી કરાઈ છે.રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા બે શાળામાં ડ્રગ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજીને છાત્રોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સમજ અપાઈ હતી. આ સાથે પોતાને તથા પોતાના પરિવારના સભ્યોને ડ્રગ્સથી દૂર રહેવા શપથ લેવડાવાયા હતા.રાજકોટની સમાજ સુરક્ષાની કચેરી દ્વારા તરઘડી, રફાળા, ગઢકા, આંબરડી, જામગઢ, વિંછીયા, દહીસડા, લોધિકા ગામની શાળાઓમાં ડ્રગ્સ (નાર્કોટિક્સ)ના દૂષણથી દૂર રહેવા તથા પોતાના પરિવારના સભ્યોને નશામુક્ત રાખવા પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી.