જસદણમાં ખેડૂતો વાહન ચાલકો ઍ ડીઝલ માટે બળબળતા તડકામાં બેરલ કૅરબા સાથે લાંબી કતારો લગાવી
જસદણ શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ગરમી વચ્ચે એક ચિંતાજનક દ્રશ્ય જોવા મળ્યું હતું. ઉનાળાની સિઝનમાં પીવાના પાણી માટે મહિલાઓ અને પુરુષો બેડા કે કેરબા લઈને લાઈનોમાં ઉભા રહેતા હોય છે, પરંતુ અહીં દ્રશ્ય કંઈક અલગ જ હતું. ટ્રેક્ટર અને વાહનો માટે ડીઝલ ભરવા માટે તડકામાં કેરબા લઈને ઉભેલા સ્થાનિકોની લાંબી ક્તાર લાગી હતી.હાલ સમગ્ર પંથકમાં સૂર્યદેવ કોપાયમાન થયા છે અને પારો સતત વધી રહ્યો છે, ત્યારે આવી આકાશમાંથી વરસતી આગ વચ્ચે લોકો હાથમાં પ્લાસ્ટિકના કેરબા લઈને ક્લાકો સુધી
લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. વિસ્તારમાં ડીઝલની અછત અથવા ખેતીકામની સીઝનને કારણે ઉપડેલા ઘસારાને લીધે આ સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. આવી બપોરે પણ લોકો કામધંધા છોડીને ડીઝલ મેળવવા માટે લાઈનો લગાવીને ઉભા હતા. ખેડૂતો, વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. સ્થાનિકોમાં એવો બળાપો હતો કે વાહનો ચલાવવા, ખેતીના કામો માટે ડીઝલ લેવા પણ તાપમાં કલાકો સુધી લાઈનમાં શેકાવુંપડે છે.