error: This Content is protected !!

વિંછિયાના ઓરી ગામની સીમમાં કળિયુગી પુત્રએ પિતાને બેફામ ફટકારી પગ ભાંગી નાંખ્યો

તમે વાડીએ ખાવા-પીવાનો પ્રોગ્રામ તૉ નથી કરતા ને ? પુછતા જ કપાતર પુત્ર કૌટુંબીક ભાઈ સહિત ચાર શખ્સો લાકડી વડે તુટી પડ્યા, ગુનો નોંધાયો

 

 વિંછિયાના ઓરી ગામની સીમમાં કળિયુગી પુત્ર બેફામ બન્યો હતો. ખેડૂતે તું અને તારા મિત્રો ખાવા-પીવાનો પ્રોગ્રામ તો નથી કરતા ને તેમ પુછતા ઉશ્કેરાયેલા પુત્ર અને કૌટુંબીક ભાઈ આણી ટોળકીએ આધેડને લાકડી વડે આડેધડ માર મારી પગ ભાંગી નાખ્યો હતો. જે મામલે વિંછીયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.બનાવ અંગે વિંછિયાના ઓરી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા 50 વર્ષીય પ્રૌઢ ખેડુત ચતુરભાઈ મનજીભાઈ વાલાણીએ આરોપી તરીકે પુત્ર મહેશ ઉર્ફે કલી ચતુર વાલાણી, તેનો મિત્ર લાલજી ગોરધન વાલાણી, બિટ્ટુ બુધા સરવૈયા અને સંજય ઉર્ફે સચિન ઓધા શિયાળનું નામ આપી જણાવ્યું હતુ કે, ગઈકાલે બપોરના પોણા ત્રણ વાગ્યે બાઈક લઈ વાડીએ ગુવાર વાવ્યું હોય તેને પાણી પાવા અર્થે ગયેલ હતો. વાડી ખાતે જઈ જોતા વાડીમાં બનાવેલ ઝુપડી પાસે પુત્ર મહેશ ઉર્ફે કલી તથા ગામમાં રહેતા પુત્રના મિત્ર લાલજી વાલાણી, બીટુ સરવૈયા અને સંજય શિયાળ હાજર હતાં. ફરીયાદીને પુત્ર મહેશે કહેલ કે, તારે આ વાડીએ આવવાનો ટાઈમ છે, જેથી તેને કહેલ કે, આ મારી વાડી છે, હું ગુવારને પાણી પાવા આવેલ છું, તમે બધા મિત્રો વાડીએ ભેગા થઈ ખાવા-પીવાનો પ્રોગ્રામ કરતા નથી ને તેમ કહેતા કૌટુંબીક ભાઈ લાલજી ગાળો આપવા લાગેલ અને ચારેય શખ્સો લાકડી વડે માર મારવા લાગેલ હતા. જેથી તેઓ નીચે પડી ગયેલ હતાં.ત્યાર બાદ ચારેયે આડેધડ લાકડી વડે માર માર્યો હતો. બાદમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને બાઈકમાં બેસાડી મારા ઘરે પહોંચાડ્યો હતો. બેભાન અવસ્થામાં આધેડ ઘરે પહોંચતા તેના પત્ની અન્ય પુત્ર મહિપત સહિતનાએ તેમને સારવાર અર્થે વિછિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. જ્યાં તબીબે આધેડને ડાબા પગે ફ્રેક્ચર થયાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે હોસ્પિટલના બિછાને ફરિયાદ આપતા વિંછિયા પોલીસે કપાતર પુત્ર અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.