error: This Content is protected !!

રાજકોટમાં લઠ્ઠાકાંડ? બે મિત્રોએ દૅશી દારૂ પીધા બાદ મોત, મૃતદેહોનું ફોરેન્સિક પીએમ થશે

બી. ડિવિઝન પોલીસે બુટલેગર સહિતનાને સકંજામાં લીધા, પરિવારે કરેલા ગંભીર આક્ષેપ ઉપર તપાસ મૃતક 50 વર્ષીય મનસુખ ડાભી નવાગામ રંગીલામાં રહેતો, જ્યારે 43 વર્ષીય અલ્પેશ સાબરીયા કનકનગરમાં રહે છે

 

રાજકોટમાં દારૂ બેફામ વેચાય છે. પોલીસ ભલે કડક કાર્યવાહીના દાવા કરે પણ ખુદ પોલીસ પણ તેનાથી અજાણ નથી. ગઈકાલે ભગીરથ સોસાયટીમાં બુટલેગર રામલા પાસેથી દારૂ ખરીદી પીધા બાદ બે મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે દારૂનાં કારણે મોત થયું છે સનસની મચાવતો આક્ષેપ થતા બી. ડિવિઝન પોલીસે બુટલેગર સહિતનાને સકંજામાં લીધા. પરિવારે કરેલા ગંભીર આક્ષેપ ઉપર તપાસ હાથ ધરી હતી. જેમાં ખુદ પોલીસે જ વિગતોની ખરાઈ કરતા બંનેએ દારૂ પીધાનું ખુલ્યું હતું. હવે મોત દારૂ પીવાના કારણે જ થયું છે કે કેમ? તે જાણવા મૃતદેહોનું આજે ફોરેનિ્સક પીએમ થશે. આ અંગે મળતી માહિતી અનુસાર, મનસુખભાઇ રાણછોડભાઇ ડાભી (ઉ.વ.50, રહે. રંગીલા સોસાયટી, નવાગામ, રાજકોટ) અને અલ્પેશભાઈ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ.43, રહે. કનકનગર, શેરી નંબર 10, રાજકોટ) ગઈકાલે રવિવારે રાત્રે નવેક વાગ્યે રાજકોટના સંત કબીર રોડ પાસે આવેલી ભગીરથ સોસાયટી શેરી નં.10ના ખૂણેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બંનેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જોકે સારવાર મળે તે પહેલા જ બંનેના મૃત્યુ નીપજ્યા હતા. દારૂ પીધા બાદ બંનેના મોત થયા હોય, પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક પોલીસના અધિકારીઓમાં ચિંતા વ્યાપી ગઈ એટલું જ નહીં, ક્રાઈમ બ્રાંચની ટીમ પણ દોડી ગઈ હતી.

આ તરફ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો લગાવતા બનાવ લઠ્ઠાકાંડ છે કે કેમ? તે જાણવા પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આક્ષેપ મુજબ મનસુખભાઈ અને અલ્પેશભાઇ બંને મિત્ર હતા. બંનેને દારૂનો નશો કરવાની કૂટેવ હતી. ગઈકાલે બંને સાથે દારૂ પીવા ગયા હતા.દારૂ પીધા બાદ મનસુખભાઇ ડાભી સ્થળ પર જ ઢળી પડ્યા હતા જ્યારે અલ્પેશ થોડું ચાલીને પડી ગયેલ. મનસુખભાઈના પરિવારે કરેલ આક્ષેપ મુજબ, તે કુખ્યાત જીણો ભગત વર્લી આંકડાનો જુગાર રમાડે છે, ત્રણેક મહિના પહેલા મનસુખના ઘર પાસે પોલીસ આવી હતી. મનસુખને પૂછ્યું હતું કે, જુગાર કોણ રમાડે છે?

જેથી મનસુખભાઇએ જીણા ભગતનું નામ આપ્યું હતું. જે બાબતનો ખાર રાખી જીણા ભગતે મનસુખભાઇ અને તેના મિત્ર અલ્પેશભાઇ સાબરીયાને દેશી દારૂમાં કોઇ ઝેરી પ્રવાહી ભેળવી તે પીવડાવી મોતને ઘાટ ઉતારેલ છે. તેવો આક્ષેપ છે. પોલીસે જીણા ગોહેલને ઉઠાવી પુછપરછ કરતા પોતે પોતાની દુકાને જ હોવાનું કહ્યું હતું. પોલીસે મિનિટોમાં જ જાણી લીધું કે દારૂ કોની પાસેથી ખરીદ્યો અને કોણે સપ્લાય કર્યો હતો ઘણી વખતે એવા આરોપો લાગ્યા છે કે પોલીસને રહેમરાહે જ દારૂના હાટડા ચાલે છે. ગઈકાલે જે ઘટના બની તેમાં પોલીસે તુરંત જ તપાસ કરી હતી. જેમાં બંને મૃતક ભગીરથ સોસાયટીના રામલા નામના બુટલેગર પાસેથી દારૂ લાવ્યાનું ખુલ્યું હતું. રામલાને ઉઠાવી પુછપરછ કરતા તે કુબલીયાપરામાં રહેતા વિનય પાસેથી 35 લિટર દારૂ લાવ્યો હતો. બધો દારૂ એક જ દિવસમાં વેંચી નાખ્યો છે.બનાવ શંકાસ્પદ છે, પીએમ રીપોર્ટની રાહ જોવાઈ છેઃ આક્ષેપ વાળા સ્થળ પર સીસીટીવી ફુટેજના આધાર તપાસ ચાલી રહી છે