error: This Content is protected !!

જસદણના દહીંસરા ગામની ખેતીની જમીનમાં ક્ષેત્રફળ કરતા ઓછૉ ટુકડો કરી વેંચાણ વારસદારોને દંડ

ટુકડાધારાનો ભંગ કરતા જમીનને વેંચાણ પહેલાની મુળ સ્થિતિએ કરવા નાયબ કલેકટર નો હુકમ

 

જસદણ તાલુકાના દહીંસરા ગામે ખેતીની જમીનનો ગેરકાયદેસર ટુકડો કરી વેચાણ કરવાના મામલે નાયબ કલેક્ટરે મહત્વનો ચુકાદો આપ્યો છે. ખેતીની જમીન ક્ષેત્રફળ કરતા ઓછા ક્ષેત્રફળનો ટુકડો થયેલ હોય ડેપ્યુટી કલેક્ટરે ટુકડા ધારાની કલમ-૮ નો ભંગ બદલ વેચાણ કરનારના વારસદારોને ૨૦,૨૩૫ નો દંડ ફટકાર્યો છે અને જમીનનો કબજો વેચાણ પહેલાંની પૂર્વવત સ્થિતિમાં લાવવાનો આદેશ કર્યો છે દહીંસરા ગામના રેવન્યુ સરવે નં. ૬/૧ પૈકી ૧ ની હે. ૧-૦૬-૨૩ ચો.મી. જમીન મૂળ માલિક સ્વ. દેવાભાઈ કાળાભાઈ સાકરીયાના નામે હતી. જેમાંથી દક્ષિણ દિશા તરફની હે. ૦-૪૦-૪૭ ચો.મી. બિનપિયત જમીન તેમણે ૨૦૨૧ ના રોજ વિહાભાઈ ગોવિંદભાઈ સાકરીયાને વેચાણ આપી હતી, જેની ગામ ચોપડે નોંધ નં. ૨૨૩૦ પડી હતી. જો કે, આ વેચાણથી જમીનનો નાનો ટુકડો પડતો હોવાથી અને ટુકડા ધારાનો ભંગ થતો હોઈ તંત્ર દ્વારા આ નોંધ નામંજૂર કરાઈ હતી. આ નિર્ણય સામે રાજકોટ કલેક્ટર સમક્ષ થયેલી અપીલ નામંજૂર થતાં નાયબ કલેક્ટરની કોર્ટમાં અલગથી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.આ કેસ અંતર્ગત જસદણ નાયબ કલેક્ટરની કોર્ટ દ્વારા સામાવાળાઓને લેખિત કે મૌખિક રજૂઆત માટે પૂરતી તકો આપવામાં આવી હતી પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા. જેથી કેસના ગુણદોષના આધારે આખરી નિર્ણય લેવાયો છે. મુંબઈ ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અંગેના અધિનિયમ-૧૯૪૭ સુધારેલી જોગવાઈઓ મુજબ શહેરી વિસ્તાર સિવાયના ભાગમાં જમીનની બજાર કિંમતના ૧૦% લેખે દંડ વસૂલવાની જોગવાઈ છે. જેના આધારે જસદણ ડેપ્યુટી કલેક્ટરે વેચાણ કરનારના વારસદારો પાસેથી જંત્રી મુજબની બજાર કિંમતના ૧૦ ટકા લેખે કુલ ૨૦,૨૩૫ નો દંડ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવા મામલતદારને સૂચના આપી છે. આ સાથે જ વિવાદિત નોંધ નં. ૨૨૩૦ પડે તે પહેલાં જે સ્થિતિ હતી તે મુજબ જમીનનો કબજો પૂર્વવત સ્થિતિમાં લાવવા અને ઈ-ધરા કેન્દ્રને ગામ નમૂના નં. ૬ માં આ હુકમની નોંધ કરવા આદેશ કરાયો છે.