error: This Content is protected !!

છાસીયાની કરપીણ હત્યામાં આરોપીનૅ દબૉચી લીધૉ વિંછીયા પોલીસમાં મૃતક ના પિતાએ હત્યારા સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી

વર્ષોથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, ભટુ ધમકી આપતો કે તારી પત્નીને લઈ જવી છે, અગાઉ વાડીએ મકાન પણ સળગાવી નાખ્યું હતું

 

વિંછીયામાં જૂની અદાવતમાં 35 વર્ષીય મનસુખ મકવાણાની પાઇપના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. અગાઉ એક વખતે વિંછીયા પોલીસમાં જસમત ઉર્ફે મનસુખના પિતા માવજીભાઈએ આરોપી રમેશભાઈ ઉર્ફે ભટુ જોગરાજીયા સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી. વર્ષોથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. ભટુ ધમકી આપતો કે, તારી પત્નીને બળજબરીથી લઈ જવી છે. આવી બંને વચ્ચે અનેક વખત માથાકૂટો થઈ હતી. ભટુએ અગાઉ વાડીએ આવેલ મનસુખનું મકાન પણ સળગાવી નાખ્યું હતું. પૉલીસૅ આરોપીની ધરપકડ કરીને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.ફરિયાદમાં મૃતકના પત્ની સંગીતાબેન જસમતભાઈ ઉર્ફ મનસુખભાઈ માવજીભાઇ મકવાણા (ઉં.વ.35)એ જણાવ્યું કે, હું વિંછીયાના છાસીયા ગામે મારા પરિવાર સાથે રહું છું અને ખેત મજુરી કરૂ છું. મારા પતિ જસમતભાઇ ઉર્ફે મનસુખભાઈ ખેતી કામ કરતા હતા. મારે સંતાનમા એક દિકરો તથા એક દિકરી છે. જેમાં સૌથી મોટી દીકરી અંજલીબેન (ઉં.વ.14) છે. અને સૌથી નાનો દીકરો આશિષ (ઉં.વ. 10) છે.ગઈકાલે તા.25/05/2026 ના બપોર પછી હું તથા મારા પતિ જસમતભાઇ ઉર્ફ મનસુખભાઈ દિકરી અંજલી તથા દીકરો આશિષ એમ બધા વાડીએ આવેલ અમારા ઘરે હતા અને મેં કરેલ ઇમીટેશનનું કામ મારા સગા નાનાભાઈ દેવરાજભાઇને દેવાનું હોય, આથી મારા પતિ મોટર સાયકલ લઈને આશરે સાંજે ચારેક વાગ્યે ઇમીટેશનનું કામ દેવા ગયેલ હતા.આશરે સવા છએક વાગ્યે અમારી વાડી છાસીયાથી ઢોંકળવા ગામે જવાનો કાચા માર્ગ આવેલ હોય ત્યા અમારા ગામના વિજયભાઇ રમેશભાઈ મોટર સાયકલ લઇને આવેલ અને મને વાત કરેલ કે તમારા પતિ તથા આપણા ગામના રમેશભાઈ ઉર્ફે ભટુભાઇ બન્ને આપણા ગામમા રસાભાઈના મકાનની સામે આવેલ કિશાન ટ્રેડર્સ દુકાનની આગળ ઝઘડો કરે છે.જેથી હું તેમના મોટર સાયકલમાં બેસીને રસાભાઈના મકાનના ડેલાની સામે ગયેલ તો ત્યાં ઘણા બધા માણસો ભેગા થયેલ હતા અને સિમેન્ટના રોડ ઉપર લોહી પડેલ હતું અને ભેગા થયેલ માણસો વાત કરતા હતા કે, મનસુખભાઈને માથાના ભાગે ભટુભાઇએ લોખંડનો પાઈપ મારેલ છે અને 108 એમ્બ્યુલન્સમાં વિંછીયા દવાખાને લઇ ગયેલ છે. જેથી હું વિંછીયા દવાખાને જવા માટે રોડ પર ઉભી હતી ત્યાં અમારા ગામના નિલેશભાઈ સોમાભાઈ ઝાપડીયા તેમની ઇકકો ગાડી લઇ નીકળે મેં તેમને કહેલ કે તમે મને વિંછીયા દવાખાને મુકી જાવ તેની ઇકકોમાં હું તથા ત્યાં મારા કાકાજી ઘુઘાભાઇ લધરાભાઈ મકવાણા (રહે.છાસીયા) તથા બીજા કેટલાક માણસો હાજર હતા.

મારા કાકાજીએ મને કહેલ કે, જસમત ઉર્ફ મનસુખને રમેશ ઉર્ફે ભટુએ લોખંડનો પાઈપ મારેલ હતો. વિછીયા સરકારી હોસ્પિટલ ખાતે મારા પતિને એક લોખંડની ટ્રેચર ઉપર સુવડાવેલ હતા. ફરજ પરના ડોકટરે મારા પતિને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતા. પોલીસે મારાં પતિના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ.આ બનાવનું કારણ એવું છે કે, અમારા ગામના રમેશ ઉર્ફે ભટુ લીંબા જોગરાજીયાએ વર્ષ 2024 માં મારા પતિ જસમતભાઈ ઉર્ફ મનસુખભાઇ તથા મારા સસરા માવજીભાઈ લઘરાભાઈ સાથે પાઇપ વડે મારામારી કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જે અંગે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજિસ્ટર થયેલ હતો. તથા અગાઉની માથાકુટ બાબતે અવાર નવાર ઘરે તથા વાડીએ આવી મારી નાખવાની ધમકી આપતો હોય અને ફરીયાદ કર્યા અંગે મનદુઃખ રાખી ગઈકાલે મારા પતિ મોટર સાયકલ લઈને ઓરી ગામેથી ઇમીટેશનનું કામ આપીને ઘરે પાછા આવતા હતા તે દરમ્યાન છાસીયા ગામે આ રમેશ ઉર્ફે ભટુએ માથાના ભાગે લોખંડના પાઈપના ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હતું હાલ પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે