error: This Content is protected !!

જસદણના વેરાવળ ગામનો ચોંકાવનારો કિસ્સો પતિ મારકૂટ કરતો, સસરાએ લોહીથી લથબથ પુત્રવધુને આખી રાત રઝળાવી, અંતે જીવ દઈ દિધો

પતિ અને સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત: કસુવાવડ થતાં લોહી વહ્યું પણ નિર્દય સસરાએ દવાખાને જવા ન દીધી, પરિણીતા આખી રાત કણસતી રહી

 

પતિએ પણ પત્નીને પોતાની ન ગણી : ઘરકામ અને ખેતીકામ બાબતે ઝગડા કરી ત્રાસ આપતો: પતિ-સસરા મરવા મજબુર કર્યાનો ગુનો નોંધાયો 

 

જસદણના વેરાવળ ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ અને સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પતિએ ઘરકામ-ખેતીકામ બાબતે અવાર નવાર ઝગડા કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો, રાત્રે કસુવાવડ થઇ જતાં લોહી વહેવા લાગ્યું પણ નિર્દય સસરાએ દવાખાને જવાની ના પાડી પરિણીતાને આખી કણસતી રાખી દીધી હતી. જે અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાડલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બનાવ અંગે મૂળ ચોટીલાના ફુલઝર ગામના વતની અને હાલ રાજકોટના કોઠારીયા ગામ પાસે રહેતા 55 વર્ષીય પ્રૌઢ પશુપાલક પુનાભાઈ શીવાભાઈ ડાભીએ આરોપી તરીકે જમાઈ કિશન દેહા કોબીયા અને દેહા દાના કોબીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. જેમાં સૌથી મોટી દિકરી સોનલબેન છે, તેનાથી નાનો દિકરો સતિષભાઈ, બાદ દિકરી કાજલબેન હતી. સૌથી નાનો દિકરો અંકિતભાઈ છે. દિકરી કાજલના લગ્ન આશરે બે વર્ષ પહેલા જસદણના વેરાવળ(ભા.) ગામે રહેતા કિશન સાથે કરેલ હતા. ગઈતા.23 ના સવારના તેઓ પરીવાર સાથે ઘરે રાજકોટ હતા ત્યારે મારી પત્નીના મોબાઈલ પર જમાઈ કિશનનો ફોન આવેલ કે, હુ કિશનના કાકાનો દિકરો બોલુ છુ અને તમારી દિકરી કાજલે રાત્રે ગળાફાસો ખાઈ લીધેલ છે, જેથી તમે આવો. જે બાદ જમાઈને ફોન કરી બનાવની ખરાઈ કરી હતી. બાદ તેઓ પરીવાર સાથે વેરાવળ (ભા.) ગામે દોડી ગયા હતા. ત્યાં પહોંચતા પુત્રી કાજલ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેના ગળામા ગળાફાસો ખાધેલ સાડીની ગાઠ હતી. બાદ સાથે આવેલી મહિલાઓએ દિકરીને ફેરવી જોતા તેના પીઠમાં લાલ ચાંભા જોવા મળ્યા હતા.જેથી દિકરી સાથે સાસરિયાએ મારકૂટ કર્યાની શંકા ઉભી થઇ હતી. બાદ વેવાઈને બનાવ બાબતે પુછતા તેણે પણ કંઈ જણાવેલ ન હતું. મામલામાં પોલીસને જાણ કરવા કહેતા કોઈએ પોલીસને પણ જાણ કરી ન હતી. બાદ સાળા સંજયભાઈ એધાણીએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. જે તબીબી ટીમે દીકરીને તપાસી મૃત જાહેર કરી હતી. બાદમાં તબીબી ટીમે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી હતી. બાદમાં પુત્રીનો મૃતદેહ તંત્રએ સોંપતા અંતિમ સંસ્કાર કર્યા હતા. 

વધુમાં પ્રૌઢે જણાવ્યું હતું કે, મારી દિકરી કાજલબેનને જમાઈ કિશનભાઈ સાથે ઘરકામ તથા ખેતી કામ બાબતે અવાર-નવાર ઝઘડાઓ થતાં હોય જમાઈ શારિરીક-માનસિક દુ:ખ -ત્રાસ આપતા હતા, તેવુ દિકરી કાજલ આટો મારવા આવે ત્યારે અને ફોનમા પણ જણાવતી હતી. પરંતુ તેને કહેતો કે, પતિ-પત્નીમા એવી નાની-મોટી માથાકુટ થતી હોય તેમ કહી સમજાવી દેતો હતો.દિકરીને આજથી વીસેક દિવસ પહેલા બે મહીનાનો ગર્ભ હોય અને રાત્રીના લોહી પડવા લાગતા કસુવાવડ થયેલ હતું. બાદમાં તેના સસરા દેહાભાઈએ પુત્રીને રાત્રે દવાખાને લઈ જવાની ના પાડી દીધેલ હતી. લોહી બંધ ન થતા સવારે 108 એમ્બ્યુલન્સમા ભાડલા સારવારમાં લઈ ગયેલ હતા. 

દિકરીને જમાઈ કિશનભાઈ દેહાભાઈ કોબીયા તથા તેના સસરાં દેહાભાઈ દાનાભાઈ કોબીયા મેણા-ટોણા મારી અવાર -નવાર ઝઘડાઓ કરી શારિરીક-માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા. જે ત્રાસથી કંટાળી પુત્રીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે ભાડલા પોલીસે મૃતક પરિણીતાના પતિ અને સસરા વિરુદ્ધ મરવા મજબુર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી