વિંછીયાના છાસિયા ગામે રસોઈ બનાવતી વખતે દાઝેલી સગીરાનો જીવનદીપ બુઝાયો
ચુલૅ તેલ ઉડતા અકસ્માતે ભભૂકેલી આગમાં લપેટાયેલી પુત્રીને બચાવવા જતા માતા પણ દાઝી ગઇ'તી
વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતી સગીરા ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે તેલ ઉડતા દાઝી હતી. પુત્રીને બચાવવા જતાં જનેતા પણ દાઝી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી માતા-પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયા ગંભીર રીતે દાઝી ગયેલી સગીરાનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયાના છાસિયા ગામે રહેતી કિંજલબેન જેરામભાઈ જોગરાજીયા નામની ૧૬ વર્ષની સગીરા સાંજના છએક વાગ્યાના અરસામાં ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે તેલ ઉડતાં કિંજલબેન જોગરાજીયા દાઝી ગઈ હતી. પુત્રીને બચાવવા જતાં માતા કૈલાસબેન જોગરાજીયા (ઉ.૩૫) પણ દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલી માતા પુત્રીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.જયા ગંભીર રીતે દાઝી ગયેલી સગીરાનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિંજલબેન જોગરાજીયા ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતી અને હાલમાં જ ધો.૧૦ પુરુ કર્યુ હતું. કિંજલબેન ચુલા ઉપર રસોઈ બનાવતી હતી. ત્યારે અકસ્માતે તેલ ઉડતા દાઝી જતા મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે તપાસ હાથ ધરી છે.