વિરનગરમાં શૅઢૉ વાડ સળગાવવા મુદૅ વૃદ્ધ ખેડૂત પર પથ્થર મારૉ પાંચ શખ્સો સામે આટકોટ પોલીસમાં ફરિયાદ
વાડી પાડોશી એ વાડ સળગાવતા શેઢા પાડોશીની વાડ તથા વૃક્ષોને નુકસાન થયાનૉ ઠપકો આપતા આ હુમલો કરાયો હતો
જસદણ તાલુકાના વિરનગર ગામની સીમમાં વાડીના શેઢે વાડ સળગાવવા બાબતૅ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 70 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હોવાની આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં પાંચ શખ્સો સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયૉ છૅ ફરિયાદ મુજબ, વિરનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ધીરૂભાઈ વીરજીભાઈ વેકરિયા (ઉ.વ.70) તા. 1 જૂનના રોજ સવારે પોતાની વાડી ખાતે ગયા હતા. તે દરમિયાન પડોશી વાડીના શેઢે ઉકાભાઈ લખમણભાઈ બરવાળીયા દ્વારા વાડ કાપી સળગાવવામાં આવતી હોવાનું જણાતા તેમણે તેનો વિરોધ કર્યો હતો. વાડ સળગાવવાથી પોતાના શેઢાના પાળા અને ઝાડવાંને નુકસાન થતું હોવાનું જણાવી તેમણે આવું ન કરવા જણાવ્યું હતું. આ બાબતે બોલાચાલી થતા ઉકાભાઈ લખમણભાઈ બરવાળીયા ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ દિનેશભાઈ બરવાળીયા, જીતુભાઇ શંભુભાઇ બરવાળીયા, બિપીનભાઈ શંભુભાઈ બરવાળીયા અને વિમલભાઈ બાબુભાઈ બરવાળીયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, તમામે મળીને ફરિયાદીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં છૂટા પથ્થરો વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વિમલભાઈ બાબુભાઈ બરવાડીયાએ મારેલો પથ્થર ફરિયાદીના માથાના ભાગે વાગતા તેમને ઇજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. ઈજાગ્રસ્ત ફરિયાદી પોતાની વાડી તરફ દોડી ગયા હતા. તે સમયે ઉકાભાઈ લખમણભાઈ બરવાળીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે જાણ થતાં 112 ઇમરજન્સી સેવા અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત ખેડૂતને પ્રાથમિક સારવાર માટે આટકોટ કૅ ડી પી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આટકોટ પોલીસે ફરિયાદના આધારે ઉકાભાઈ લખમણભાઇ બરવાળીયા, દિનેશભાઈ, જીતુભાઈ શંભુભાઈ, બિપીનભાઈ શંભુભાઈ,અને વિમલભાઈ બાબુભાઇ બરવાળીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 125(અ), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.