રાજકોટ કુવાડવા રોડૅથી જસદણના લીલાપુરનો યોગેશ અને પિયુષ બિહારીને એસઓજીએ 1.4 કિલો ગાંજા સાથે દબોચ્યા
બંને મિત્રો બસમાંથી ઊતરી રીક્ષા ની રાહૅ હતા ત્યાં પોલીસે ઝડપી પાડયા દાહોદના ફતૅપુરા થી છૂટક વેચવા ગાંજો લાવ્યા ની કબુલાત
રાજકોટ કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જતાં રોડ પરથી એસઓજીએ મુળ જસદણ લીલાપુરના અને હાલ રાજકોટ રહેતાં એક શખ્સ તથા એક બિહારી શખ્સને રૂા. ૭૩૪૦૦ના ૧.૪૬૮ ગ્રામ ગાંજા સાથે પકડી લીધા છે. આ બંને મિત્રો છે અને દાહોદ તરફથી ગાંજો લાવ્યાનું રટણ કર્યુ હોઇ વિશેષ પુછતાછ માટે રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેરમાં સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા, નાર્કોટીક્સ પદાર્થોનું વેંચાણ અટકાવવા અને આવા પદાર્થનું સેવન, વેચાણ કરતાં શખ્સોને શોધી કાઢવા શહેર એસઓજીની ટીમ કાર્યરત હોઇ દરમિયાન હેડકોન્સ જયદિપસિંહ અને ઉપેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળતાં કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જય હિન્દ મોટર્સ નજીકના રોડ પર બે શખ્સને ઝડપી લીધા હતાં. પુછતાછમાં પોતાના નામ આકાશ ઉર્ફે યોગેશ દશરથભાઈ દેસાણી ઉ.વ.૩૨-૨હે. હાલ જુના માર્કેટ યાર્ડ પાછળ દરગાહ પાસે, લાખાભાઈ ભરવાડના મકાનમાં ભાડેથી, મુળ લીલાપર તા. જસદણ તથા પિયુષકુમાર શૈલેન્દ્ર સિંગ ઉ.વ.૧૯-રહે. તરૈયા મુખ્ય બજાર શંકર ભગવાનના મંદિર પાસે જી. છપરા બિહાર જણાવ્યા હતાં. આ શખ્સો પાસે શંકાસ્પદ પદાર્થ હોઇ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા પાસે પરિક્ષણ કરાવતાં તે ગાંજો હોવાનું ખુલતાં રૂા. ૭૩૪૦૦નો ગાંજો કબ્જે કરી બી-ડિવીઝન પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો. ઝડપાયેલો આકાશ ઉર્ફે યોગેશ અને પિયુષ બંને મિત્રો છે અને છુટક મજુરી કરે છે. પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે પોતે બે દિવસ પહેલા દાહોદના ફતેપુરા ગયા હતાં અને ત્યાંથી વેંચવા માટે આ ગાંજો લાવ્યા હતાં. પણ બસમાંથી ઉતરી બંને રિક્ષાની રાહ જોઈ રહ્યા હતાં ત્યાં જ એસઓજીએ દબોચી લીધા હતાં. તેની પાસેથી સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જે સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઈ એમ. વી. જાડેજા, એએસઆઈ સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂણભાઈ બાંભણીયા, વિરેન્દ્રસિંહ, હેડકોન્સ. જયદિપસિંહ, ઉપેન્દ્રસિંહ, ડ્રા.કોન્સ. નિર્મળસિંહ, નરેશભાઈએ આ કામગીરી કરી હતી