જસદણમાં ભરચક જૂના બસ ડેપો પાસે યુવક પર કુહાડી વડૅ જીવલેણ હુમલો માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતાં રાજકોટ રીફર કરાયો
દિવાલ ચણવા બાબતની તકરારે આ હુમલો થયો હતો પોલીસે હુમલા ખૉરોને ઝડપી પાડવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા
જસદણનાં જૂના બસ સ્ટેન્ડ નજીક સામાન્ય બાબતમાં એક યુવક પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે દીવાલની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી બાબતે થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બોલાચાલી અને ઝઘડો એટલો વધી ગયો કે સામા પક્ષે ઉશ્કેરાઈને બલવીર દિનેશભાઈ ધાધલ નામના યુવક પર કુહાડી વડે તૂટી પડયા હતા. કુહાડીના ઘા વાગવાને કારણે બલવીરના માથા તેમજ હાથના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત બલવીર ધાધલને
તાત્કાલિક સ્થાનિક લોકો અને 108 ની મદદથી જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, માથાના ભાગે થયેલી ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી અને વધુ પડતું લોહી વહી ગયું હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર અર્થે તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને દીવાલના વિવાદમાં હુમલો કરનાર શખ્સોને ઝડપી લેવા અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.