error: This Content is protected !!

વિંછીયાના આંકડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યાં બંધ મકાનમાંથી રૂ.૮.૦૮ લાખની ચોરી ખેડૂત પરિવાર વાડીએ ગયો તો અને પાછળથી તસ્કરોએ હાથફેરો કર્યો

ત્રણેય સગા ભાઈઓના ઘરના દરવાજાના તાળા અને કબાટના લોક તોડી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ ઉઠાવી નાસી છૂટયા: વિંછીયા પોલીસ અને એલસીબી સહીતની ટીમોએ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા

 

વિંછીયાના આંકડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા હતાં. ખેડૂત પરિવારના બંધ મકાનના તમામ દરવાજા અને કબાટના તાળા તોડી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં સહીત રૂ. ૮.૦૮ લાખની મતા ઉઠાવી જતાં વિંછીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસની સાથોસાથ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે વિંછીયાના આંકડિયા ગામે રહેતા ૩૩ વર્ષીય ખેડૂત રસીકભાઈ ગુણાભાઈ કુકડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ચાર ભાઈઓ સયુકત કુટુંબમા રહે છે. ખેડૂતને સંતાનમા બે દીકરા છે. ગઈકાલે સવારના આઠ વાગ્યે ગામમા રહેતા અશોકભાઈ 'બારૈયાની ભાગીયે રાખેલી વાડીએ તેઓ અને તેમની પત્ની કાજલબેન ગયેલ હતા. બપોરના બાર વાગ્યા મોટાભાઈ સંજયભાઈનો ફોન આવેલ કે, આપણા મકાને ચોરી થયેલ છે, ઘરના બધા દરવાજાના તાળા તોડી નાખેલ

જેથી ખેડૂત અને તેના પત્ની બન્ને ઘરે આવવા માટે નિકળેલ હતા. ઘરે જઈ જોતા બધા દરવાજા ખુલ્લા હતા. બાદ ભાઇ સંજયે વાત કરેલ કે, ઘરેથી સાડા દસ વાગ્યે હુ તથા મારી પત્ની ભડલી ગામે ગેસના કામ સબબ ગયેલ હતા. બાદ બપોરે બાર વાગ્યે પરત આવતા ઘરના ડેલાએ તાળુ મારેલ હતુ મે તાળુ ખોલતા ડેલો અંદરથી બંધ હોય જેથી ડેલાની તીરાડમાથી જોતા ઘરના દરવાજા ખુલ્લા જોવા મળેલ હતા. જેથી વંડી ટપી અંદર જઈ જોતા ઘરના દરવાજાઓના તાળા તૂટેલ હાલતમાં જોવસ મળ્યા હતા.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાંથી તમામ સામાન વેર વિખેર હાલતમાં પડેલ હતો. ઘરમા રાખેલ કબાટનો દરવાજો તુટેલ હતો અને કબાટની અંદર રહેલ તેજુરીમા રાખેલ સોનાનો હાર રૂ.૧.૫૦ લાખ, ઓમના બે સોનાના પાંદડા, ચાંદીની બે પહોસી, એક જોડી છડા, નાના છોકરાના કડલી નંગ-૨, તુલસી ક્યારો મળી કુલ રૂ. ૧.૮૭ લાખની મતા મળી આવી ન હતી. બાદ તેમના ભાઈ સંજયભાઈના મકાનનો દરવાજોનો નકુચો કાપેલો મળી આવતા તેના રૂમના કબાટનુ તાળું પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. જેથી ખરાઈ કરતા કબાટની તેજુરીમાથી એક સોનાનુ લોકેટ રૂ. ૧ લાખ, સોનાની બુટી તથા સર રૂ. ૧. લાખ, બે સોનાની વિટી, ઓમના પાદડા નંગ-૨, સોનાના દાણા નંગ-૨, બે ચાંદીની પોચી, બે જોડી ચાંદીના છડા, ચાંદીની એક જોડી બંગડી, ચાંદીના સાકળા જોડી ત્રણ તથા એક ચાંદીની વિટી મળી, કુલ રૂ. ૨.૫૩ લાખની મતા ગાયબ હતી.

બાદ સૌથી મોટા ભાઇ જયેશભાઈના મકાનનો દરવાજો ખુલ્લો હોય તેના કબાટની તિજોરીમાં તપાસ કરતા રૂ. ૪૮૫૦૦ ની ની રોકડ, પોણા ત્રણ તોલાનો સોનાના હારનો કટકો ઓમના સોનાના બે પાદડા મળી કુલ રૂ. ૯૬૫૦૦ ની ચોરી થઇ ગયાની જાણ થઈ

હતી. ત્યારબાદ સૌથી નાના ભાઈ મહેશના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં સામાન વેર વિખેર પડેલ જોવામા આવતા તેના કબાટનુ તાળું પણ તૂટેલી હાલતમાં હોય તપાસ કરતા અહીંથી ત્રણ તોલાનો સોનાનો હાર રૂ.૧.૫૦ લાખ, સોનાની બુટી તથા સર, સોનાની વિટી નંગ-૧, ઓમનુ પાદડુ નંગ-૧, ત્રણ ચાંદીની પહોસી, છોકરાની કડલી ચાંદીની નંગ-૧, તુલસી ક્યારો તથા રોકડ રૂપીયા ૩૫૦૦ મળી કુલ રૂ.૨.૭૨ લાખની ચોરી થઈ ગયાની જાણ થઇ હતી.

ખેડૂત પરિવારના ઘરના દરવાજા અને કબાટના તાળા તોડી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ ૮,૦૮,૫૦૦ ની ચોરી કરી જતાં વિંછીયા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ અનુસંધાને વિંછીયા પોલીસની સાથોસાથ રૂરલ એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કરી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.