error: This Content is protected !!

જસદણના પ્રતાપપુર નવાગામ નજીક વહેલી સવારે કારમાંથી અંગ્રેજી દારૂ સાથે ચાલકની ધરપકડ બાતમી ના આધારે આટકોટ પોલીસ ત્રાટકી

ભારતીય બનાવટના ઇંગલિશ દારૂના જથ્થા સાથૅ કોલોરાણાના દિવ્યરાજ ને ઝડપી પાડ્યો રૂ, 2,17, 680 નૉ મુદ્દા જપ્ત કર્યો  

 

જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શૈલેશભાઈ ખેંગારભાઈ સોલંકી તથા પોલીસ સ્ટાફ ગત રાત્રે જનરલ નાઇટ રાઉન્ડ અને પેટ્રોલિંગમાં હતા તૅ દરમિયાન વહેલી સવારે આશરે 4:15 વાગ્યે ખાનગી બાતમી મળી હતી કે પ્રતાપપુર (નવાગામ)થી કાનપર જવાના રસ્તે સ્વ. પર્સોતમભાઈ પારખીયાના ગેટ પાસે એક સફેદ રંગની વોલ્સવેગન વેન્ટો કાર (રજી. નં. GJ-01-KS-9147) માં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડતા કારની ડ્રાઈવર સીટ પર બેઠેલા દિવ્યરાજ કનુભાઈ વનરા (ઉ.વ. 22), રહે. કલોરાણા, તા. બાબરા, જી. અમરેલીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પંચોની હાજરીમાં કારની ડિક્કીની તપાસ કરતાં ખાખી રંગના બોક્સોમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કારમાંથી ROYAL CHALLENGE FINE RESERVE WHISKY (180 એમએલ) ના કુલ 240 ક્વાર્ટર, કિંમત અંદાજે ₹40,800, તેમજ ALL SEASONS GOLD COLLECTION RESERVE WHISKY (180 એમએલ) ના કુલ 192 ક્વાર્ટર, કિંમત અંદાજે ₹26,880 મળી આવ્યા હતા. આમ, બંને બ્રાન્ડના મળી કુલ 432 ક્વાર્ટર ઇંગ્લિશ દારૂ, કુલ કિંમત ₹67,680નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી વોલ્સવેગન વેન્ટો કાર, કિંમત અંદાજે ₹1,50,000, પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ ₹2,17,680ના મુદ્દામાલનો કબ્જો કર્યો હતો. ઝડપાયેલા ઈસમે દારૂ અંગે કોઈપણ પ્રકારનો પાસ-પરમિટ કે આધાર પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ રહેતા પોલીસે આરોપી દિવ્યરાજ કનુભાઈ વનરા વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(ઈ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધી વહેલી સવારે આશરે 5:00 વાગ્યે ધોરણસર અટકાયત કરી હતી.

આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.