જસદણના જંગવડમાં દારૂ નહીં વેંચવા મુદ્દે મોટાભાઈ સાથે ઝઘડો થતાં યુવાને ફિનાઈલ પીધું
દારૂ વેંચવાથી ગામમાં આપણી આબરૂ જાય છે, તું બંધ નહીં કરે તો હું દવા પીને મરી જઈશ તેવું કહી યુવકે પગલું ભર્યુ
જસદણ તાલુકાના જંગવડ ગામે દારૂ વેચતા મોટાભાઈને નાના ભાઈએ દારૂ વેચવાથી ગામમાં આપણી આબરૂ જાય છે તું દારૂ બંધ નહીં કરે તો હું દવા પી મરી જઈશ તેવું કહેતાં મોટાભાઈએ મરી જા તેવું કહ્યું હતું. જેથી યુવકને માઠુ લાગતાં ફિનાઈલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણ તાલુકાના જંગવડ ગામે રહેતાં અનિલ રૂડાભાઈ રાઠોડ નામનો ૨૦ વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર અનિલ રાઠોડ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અનિલ રાઠોડનો મોટો ભાઈ ભુપત રાઠોડ દારૂનું વેચાણ કરે છે જે અંગે અનિલ રાઠોડે મોટાભાઈ ભુપત રાઠોડને ગામમાં આપણી આબરૂ જાય છે તું દારૂ વેચવાનું બંધ નહીં કરે તો હું દવા પીને મરી જઈશ. તેવું કહ્યું હતું. જેની સામે ભુપત રાઠોડે મરી જા તેવું કહેતાં અનિલ રાઠોડે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.