જસદણ તાલુકાના ભાડલા ગામે ધોરણ ૫, માં અભ્યાસ કરતી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
મૂકબધીર દાદા જોઈ જતાં સગીર પૌત્રીનો જીવ બચાવી રાજકોટ સિવિલ હોસ્પિટલૅ સારવારમાં ખસેડી
જસદણના ભાડલા ગામે રહેતી અને ધો.પમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કોઈ અગમ્ય કારણોસર બારીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે મુકબધીર દાદા જોઈ જતાં સગીર પૌત્રીનો જીવ બચાવી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણના ભાડલા ગામે રહેતી અને ધો.પાંચમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની પોતાના ઘરે હતી ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં બારીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતાં ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સગીરા ત્રણ ભાઈ બહેનમાં મોટી છે અને ધો.પાંચમાં અભ્યાસ કરે છે. સગીરાએ કોઈ અગમ્ય કારણોસર બારીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાવાની કોશિષ કરી હતી. તે દરમિયાન તેના મુકબધીર દાદા જોઈ જતાં સગીરાનો જીવ બચાવી સારવાર માટે ખસેડી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.