error: This Content is protected !!

આજૅ વિશ્વ ફોટોગ્રાફી દિવસ કેમેરાની કળા એક ક્લિકમાં કંડારાઈ દેશભક્તિ સૌહાર્દ અને એકતાની ક્ષણ

ઉત્તમ તસવીર હજારો શબ્દોની અનુભૂતિ કરાવે એ તસવીર દેશ પ્રેમના ઉત્સવની હોય ત્યારે ઇતિહાસના પાને અમર થઈ જાય છે

 

૧૯મી ઓગસ્ટ એટલે 'વિશ્વ ફોટોગ્રાફી દિવસ' એક એવો અવસર જે સમયને થંભાવીને સંવેદનાઓને જીવંત રાખતી કેમેરાની કળાને બિરદાવે છે. કહેવાય છે કે, એક ઉત્તમ તસવીર હજાર શબ્દોની અનુભૂતિ કરાવી શકે છે. જ્યારે એ તસવીર દેશપ્રેમના ઉત્સવની હોય, ત્યારે તે કાયમ માટે ઈતિહાસના પાના પર અમર થઈ જાય છે. હાલમાં જ ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેરમાં યોજાયેલી ભવ્ય 'તિરંગા યાત્રા' દરમિયાન કેમેરામાં કંડારાયેલી આ તસવીર ફોટોગ્રાફી કળા અને રાષ્ટ્રભાવનાનું અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડે છે.

 આ તસવીર પેઢીઓનો અનોખો સંગમ અને અખંડ ભારતની સંસ્કૃતિ ઉજાગર કરે છે. એક તરફ વયોવૃદ્ધ વડીલના હાથમાં દેશની આન, બાન અને શાન સમો લહેરાતો તિરંગો છે, તો બીજી તરફ તેમના ખોળામાં રહેલું બાળક ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી કરાવે છે. વડીલના ચહેરા પર છલકાતો સંતોષ અને બાળકોની આંખોમાં તિરંગા પ્રત્યેનું આકર્ષણ દર્શાવે છે કે રાષ્ટ્રપ્રેમના સંસ્કાર પેઢી દર પેઢી વણાયેલા છે.

 વિશ્વ ફોટોગ્રાફી દિવસના આ ખાસ પ્રસંગે, સમાજની અસંખ્ય સંવેદનશીલ અને પ્રેરણાદાયી ક્ષણોને પોતાના કેમેરાના લેન્સમાં કેદ કરીને જન-જન સુધી પહોંચાડતા તમામ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા ડિજિટલ મીડિયાના ફોટો પત્રકારો અને કેમેરામેન મિત્રોને પ્રાદેશિક માહિતી કચેરી- રાજકોટ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.