ભાડલા ક્લસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસનું લોકાર્પણ તથા સી.એલ.એફ.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
મિશન મંગલમ યોજનાથી ગ્રામીણ મહિલાઓ આર્થિક ઉપાર્જન દ્વારા પરિવારને મદદરૂપ બની રહી છે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજરોજ જસદણ તાલુકાના ભાડલા ક્લસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસને ખુલ્લી મૂકી હતી, તેમજ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી હતી.
મંત્રી કુવરજીભાઈએ સખી મંડળની આત્મનિર્ભર મહિલાઓની સાફલ્યગાથા સાંભળી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મિશન મંગલમ તેમજ એન.આર.એલ.એમ. યોજના થકી ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી રહી છે. ગૃહઉદ્યોગો થકી મહિલાઓ આર્થિક ઉપાર્જન દ્વારા બાળકોના શિક્ષણ સહિત ઘર પરિવારને પણ મદદરૂપ બની રહી છે જે ખૂબ ગૌરવની વાત છે.
રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણ અભિગમ અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષ અને તેમના ઘર પરિવારના કલ્યાણ માટે ગ્રામ વિકાસ એજન્સી વિભાગ સક્રિય રીતે કામ કરી રહ્યો છે. લાઈવલીહુડ મિશન દ્વારા નિ:શુલ્ક ટ્રેનિંગ, માર્ગદર્શન, હસ્તકલા મેળાઓમાં પ્રદર્શન વેચાણની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. સખી મંડળની મહિલાઓ વિવિધ કામગીરી કરી શકે તે માટે જરૂરી સાધન સામગ્રી માટે રૂ. બે લાખથી લઈ ૫૦ લાખ સુધીની વગર વ્યાજની લોન સહાય પણ પૂરી પાડવામાં આવે છે, ત્યારે વધુ ને વધુ મહિલાઓ સખી મંડળમાં જોડાઈ રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
મંત્રીશ્રી બાવળીયાએ મહિલાઓને સીવણ, બ્યુટી પાર્લર, ઈમિટેશન, જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ સહિતની વિવિધ વસ્તુઓ બનાવવા માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તેનો લાભ લેવા પણ મહિલાઓને વિનંતી કરી હતી. વધુમાં ડ્રોન દીદી યોજના થકી મહિલાઓ લખપતિ દીદી બની રહી છે, ત્યારે ખેડૂત પરિવારની દીકરીઓને ડ્રોનનો અભ્યાસ કરવા તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ખોડીયાર મિશન મંગલમના હંસાબેન ડોબરીયા તેમજ અન્ય સખી મંડળની આત્મનિર્ભર મહિલાઓની સફળતાની ગાથા સાંભળી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખુશી વ્યક્ત કરી હતી.
લાઈવલીહુડ મિશનના અધિકારી વિરેન્દ્રસિંહ બસિયાએ ભાડલા ખાતે રાજ્યના પહેલા ક્લસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ ખુલી હોવાનું જણાવી સખીમંડળની બહેનો તેમજ ગ્રામજનો મિશન મંગલમ યોજના હેઠળ કામગીરી કરી સહકારી ક્ષેત્રમાં સહભાગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તકે મંત્રી સહિતના મહાનુભાવના હસ્તે સખીમંડળની મહિલાઓને ચેક વિતરણ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
ભાડલા ખાતે આયોજિત કાર્યક્રમમાં જસદણ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંશ્રી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.