આટકૉટના જીવાપર ગામે માત્ર રૂ,30 ના વેફરના પડીકા મામલે ધિગાણું, યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો સામસામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઇ
દુકાનદાર પાસેથી મોઢામાં સ્મેલ ન આવે તૅવી વસ્તુ લીધી હતી પૈસા માંગતા જ ઉસકેરાય ઢીકાપાટુ મારી છાતીમાં ધુમ્બો મારતા યુવક ગંભીર ઇજા સાથે એમ્સમાં દાખલ
જસદણ તાલુકા આટકૉટ નજીકના જીવાપર ગામે નજીવી રકમના હિસાબ બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ હિંસક અથડામણ સર્જાઈ હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પાન-માવાની દુકાને માત્ર રૂ. ૩૦ ના વેફર તથા ખાવાની ચીજવસ્તુઓની લેતી-દેતી અંગે શરૂ થયેલી સામાન્ય તકરારે લોહીયાળ સ્વરૂ૫ ધારણ કરી લેતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવ અંગે આટકોટ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા
સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.મળતી વિગતો મુજબ, જીવાપર ગામે આવેલી બજરંગ પાન નામની દુકાને આ બનાવ બન્યો હતો. ફરિયાદી જાનવીબેન રમેશભાઈ બોદરના જણાવ્યા અનુસાર, તેમની દુકાને ભાઈ કિશન હાજર હતો ત્યારે મહેશ ભગાભાઈ રાઠોડ તથા તેનો મિત્ર કમલેશ ઉર્ફે ગોલી હેમાભાઈ દાફડા દુકાને આવી મોઢામાંથી સ્મેલ ન આવે તેવી વસ્તુઓ તથા વેફરના પડીકા લીધા હતા.
આ ખરીદી પેટે થતા ફૂ.૩૦ની રકમ કિશને માંગતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડી છરી બતાવી ગલ્લા પર હાથ પછાડી પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો
તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બીજી તરફ, સામા પક્ષે મહેશના પિતા ભગાભાઈ અંતુભાઈ રાઠોડ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, પૈસાની લેતી-દેતી બાબતે કિશન સાથે બોલાચાલી થતાં રમેશભાઈ બોદર અને કનાભાઈ બોદર ત્યાં આવી પહોંચ્યા હતા.
કનાભાઈએ મહેશને પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ રમેશભાઈએ છરી વડે મહેશના જમણા ભાગની છાતીમાં સણસણતો ઘા ઝીંકી દીધો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચેલા મહેશની ગંભીર સ્થિતિ જોઈ પરિવારજનો તરત જ તેને સારવાર અર્થે લઈ ગયા હતા.
ઘટના બાદ મહેશને પ્રથમ જસદણ સરકારી હોસ્પિટલ અને
ત્યારબાદ રાજકોટ સિવિલ તથા એઈમ્સમાં ખસેડાયો હતો. તબીબી તપાસ દરમિયાન છરીના ઘાના કારણે ફેફસાં અને હૃદયના આંતરિક ભાગમાં ગંભીર ઈજાઓ થતાં પાણી ભરાઈ ગયું હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થિતિ અત્યંત નાજુક જણાતાં તેને વધુ ઝડપી અને વિશિષ્ટ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.
આટકોટ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બંને પક્ષના આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને ઘટનાસ્થળની તપાસ હાથ ધરી છે.