error: This Content is protected !!

વોટ્સએપ પર નકલી ઇન્કમટેક્સ નોટિસ મોકલી સાયબર ગઠીયાઑ ની ઠગાઈ થી સાવધાન રહૅવા નાગરિકોને ચેતવણી

ટેક્સ રિફંડ અને દંડનો ડર બતાવી વાયરસ ધરાવતી ફાઈલો કે ફિશિંગ લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી કોઈ ફાઈલ ડાઉનલોડ ન કરવી

 

આજકાલ સાયબર ઠગો આવકવેરા વિભાગ (ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ)ના નામે વોટ્સએપ પર નકલી નોટિસ મોકલીને નાગરિકોને છેતરી રહ્યા છે. આવા મેસેજમાં 'તમારું ટેક્સ રિફંડ અટકેલું છે' અથવા 'ITR માં ગડબડ છે' તેવો ડર કે લાલચ બતાવી સાથે ફિશિંગ લિંક, PDF, .zip કે APK ફાઇલો મોકલવામાં આવે છે. આ અંગે હોમ મિનિસ્ટ્રી હેઠળ કામ કરતી 'ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) અને 'PIB ફેક્ટ ચેક' દ્વારા વિશેષ એડવાઇઝરી જારી કરીને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સાયબર સિક્યોરિટી એડવાઈઝર રાહુલ મિશ્રાના જણાવ્યા અનુસાર, આ એક પ્રકારનું ફિશિંગ સ્કેમ છે. સ્કેમર્સ સામાન્ય રીતે એવા લોકોને ટાર્ગેટ કરે છે જેઓ પ્રથમ વખત ટેક્સ ફાઈલ કરતા હોય, વરિષ્ઠ નાગરિકો હોય અથવા સાયબર સુરક્ષા અંગે ઓછા જાગૃત હોય. ઠગો દ્વારા મોકલવામાં આવતી .zip કે . exe ફાઇલોમાં વાયરસ અથવા માલવેર છુપાયેલા હોય છે. આવી ફાઇલો પર ક્લિક કરતાની સાથે જ મોબાઈલ કે કમ્પ્યુટરમાં માલવેર ઇન્સ્ટોલ થઈ જાય છે, જેનાથી હેકર્સને ડિવાઇસનો સંપૂર્ણ એક્સેસ મળી જાય છે. પરિણામે યુઝરની પર્સનલ વિગતો, બેંકિંગ ડિટેલ્સ અને પાસવર્ડ્સ ચોરાઈ જવાનું ભારે જોખમ રહે છે. લોકો અસલી-નકલી વચ્ચેનો તફાવત

પરખ્યા વિના અને દંડ કે કાનૂની કાર્યવાહીના ડરથી તપાસ કર્યા વગર આવી લિંક્સ પર ક્લિક કરી દેતા હોય છે.આવકવેરા વિભાગ ક્યારેય પણ વોટ્સએપ પર નોટિસ કે મેસેજ મોકલતો નથી અને કોઈ પણ .zip કે .exe ફાઈલ ડાઉનલોડ કરવા કહેતો નથી. વિભાગની તમામ સત્તાવાર નોટિસ માત્ર અધિકૃત ઈ-ફાઈલિંગ પોર્ટલ (eportal.incometax.gov.in) પર જ ઈશ્યુ કરવામાં આવે છે, જેની જાણકારી યુઝરના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને જખજદ્વારા આપવામાં આવે છે. જો વોટ્સએપ પર કોઈ નોટિસ મળે તો તે સંપૂર્ણપણે છેતરપિંડી છે.

 

 

જો ભૂલથી ફાઇલ ડાઉનલોડ થાય તો શું કરવું? અને કૉઈ વિગતો ક્યારેય શેર ન કરવી?

 

.જો ભૂલથી કોઈ શંકાસ્પદ લિંક ખુલી જાય કે ફાઈલ ડાઉનલોડ થાય, તો ગભરાયા વગર તુરંત મોબાઈલ ડેટા અથવા Wi-Fi બંધ કરી દેવું. ત્યારબાદ તે ફાઈલ ડિલીટ કરી ડિવાઈસને એન્ટીવાયરસથી સ્કેન કરવું અને બેંકિંગ તથા ઈમેલના પાસવર્ડ તાત્કાલિક બદલી નાખવા. સાયબર ફ્રોડનો શિકાર બનવાના કિસ્સામાં રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર તુરંત સંપર્ક કરવો જોઈએ. વધુમાં, કોઈપણ વ્યક્તિ સાથે તમારો OTP, ગવર્નમેન્ટ ID વિગતો, UPI PIN, ATM/ડેબિટ કાર્ડ PIN, CVV, નેટ બેન્કિંગ પાસવર્ડ કે સ્ક્રિન શેરિંગ એક્સેસ ક્યારેય શેર કરવો નહીં.