error: This Content is protected !!

જસદણમાં ડિલક્સ સીટ કવરની દુકાનમાં દરોડો ૬૯૨ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો રાજકોટ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ ટીમની કાર્યવાહી

ઝડપાયેલા આરોપી સામે બાબરામાં મારામારીનો ગુનૉ અને સપ્લાયર સામે જસદણ ગોંડલ અને ભાડલામાં દારૂ જુગાર સહિત છ ગુના નોંધાયેલ છે

 

 

જસદણમાં ખાનપર રોડ પર આવેલી સીટ કવરની દુકાનમાં રાજકોટ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સની ટીમે દરોડો પાડી ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. સીટ કવરની આડમાં અહીં ગાંજાનો વેપલો થતો હતો. પોલીસે સીટ કવરના ધંધાર્થીને ઝડપી લઇ પુછતાછ કરતા જસદણના વડલાવાડીમાં રહેતા શખસે ગાંજો સપ્લાય કર્યાનું ખુલ્યું હતું. જેથી પોલીસે 692 ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી માદક પદાર્થ સપ્લાય કરનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોના ઉત્પાદન સંગ્રહ, પરિવહન વેચાણ તથા હેરફેરની પ્રવૃત્તિ કરતા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડને હકીકત મળી હતી કે જસદણમાં ખાનપર રોડ પર આવેલી ડિલકસ સીટ કવર નામની દુકાનમાં ધંધાર્થી સીટ કવરની આડમાં માદક પદાર્થનો વેપલો કરે છે આ હકીકતના આધારે અહીં દરોડો પાડ્યો હતો

પોલીસે અહીં દુકાનમાં તપાસ કરતા રૂપિયા 34,600 ની કિંમતનો 692 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો મોબાઈલ ફોન સહિત રૂપિયા 39,600 નો મુદ્દામાલ કબજે કરી ધંધાર્થી અફઝલ હનીફભાઈ સોલંકી ઉ.વ. 25 રહે. હાલ જસદણ ગેબનશા સોસાયટી શેરી નંબર 2, મૂળ કોટડાપીઠા તા. બાબરા ની અટકાયત કરી હતી. પોલીસે આ શખસની પૂછતાછ કરતા ગાંજાનો જથ્થો તેને જસદણના વડલાવાડીમાં રહેતા મનોજ ઉર્ફે જોન મહેશભાઈ જેઠવાએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ બંને શખસો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી માદક પદાર્થની સપ્લાય કરનાર મનોજ ઉર્ફે જોનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

ગાંજા સાથે ઝડપાયેલા અફઝલ સોલંકી સામે અગાઉ બાબરામાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે મનોજ ઉર્ફે જોન સામે જસદણ, ભાડલા અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં દારૂ- જુગાર સહિતના છ ગુના નોંધાઈ ચૂક્યા છે