તરણેતરના મેળામાં દેશી ઓલાદના પશુ પ્રદર્શન હરીફાઈમાં કચ્છ ભુજના ઢોરી ગામની ધાલી બન્ની ભેંસ બની ચેમ્પિયન ઓફ ધ શો મળ્યું રૂ. ૧ લાખનું ઈનામ
સંવર્ધન અને પ્રોત્સાહન માટેનો ગીર કાંકરેજ, જાફરાબાદી અને બન્ની ભેંસના ઉત્કૃષ્ટ ઉછેરને પ્રોત્સાહન આપવા ૨૧૩ પશુઓની હરીફાઇ યૉજાય
ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વિશ્વપ્રસિદ્ધ તરણેતર ખાતે શુદ્ધ દેશી ઓલાદના ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓ જેવાં કે ગીર અને કાંકરેજ ગાય તેમજ જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહિત કરવા પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૧૪ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ત્રીજ) થી ૧૬ સપ્ટેમ્બર (ભાદરવા સુદ પાંચમ) દરમિયાન આ ભવ્ય પશુ પ્રદર્શન હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ ગૌ-પૂજન કરીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, સર્વે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા પી. કે. પરમાર, કલેક્ટર જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક તથા પશુપાલન નિયામક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે યોજાયેલી હરીફાઈમાં કુલ ૨૧૩ પશુઓની નોંધણી થઈ હતી, જેમાં ૮૧ ગીર ગાય, ૪૭ કાંકરેજ ગાય, ૪૪ જાફરાબાદી ભેંસ અને ૪૧ બન્ની ભેંસ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પ્રથા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ નિરંતર આગળ વધી રહી છે. આ હરીફાઈમાં ગાય અને ભેંસ એમ બંને વર્ગની ઓલાદો માટે ત્રણ-ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી; જેમાં ગાય વર્ગમાં વોડકી, ગાય અને સાંઢ તથા ભેંસ વર્ગમાં ભેંસ, જોટું (ખડેલી) અને પાડોનો સમાવેશ થાય છે ચાલુ વર્ષની હરીફાઈમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામના પશુપાલક મહેન્દ્રભાઈ હરિભાઈ ગાગલની 'ધાલી' બન્ની ભેંસ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને "ચેમ્પિયન ઓફ ધ શો" બની હતી. મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે વિજેતા બન્ની ભેંસના પશુપાલકને "ચેમ્પિયન ઓફ ધ શો" ની ટ્રોફી અને રૂ. ૧ લાખનું રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું. તે સાથે જ અન્ય તમામ કેટેગરીના વિજેતા પશુપાલકોને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આમ, ભાતીગળ સંસ્કૃતિ માટે જાણીતો તરણેતરનો મેળો રાજ્યમાં દેશી પશુધનની જાળવણી અને સંવર્ધનનો અનન્ય પ્રતીક બની રહ્યો છે