જસદણ પાલિકા ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુમાં શહેરી લાભાર્થીઓને રૂ, 53 કરોડથી વધુના આવાસ સહિતની વિવિધ યોજનાઓના લાભ મળ્યા
પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ચીફ ઓફિસર મામલતદાર પ્રાંત અધિકારીની હાજરીમાં હુકમપત્રો વિવિધ યોજનાઓના દાખલા પ્રમાણપત્રો સેવાકીય લાભો મેળવતા નગરજનો
જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.મંત્રી બાવળીયાએ આ પ્રસંગે ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં લોકકલ્યાણના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવાસેતુના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ રાજ્ય સરકાર દ્વારા ઘરઆંગણે જ આપવામાં આવી રહ્યો છે.વહીવટી તંત્રના માધ્યમથી એક પણ લાભાર્થી રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સામે ચાલીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું ઉમેર્યું હતું આ ‘સેવા સંકલ્પ અભિયાનમા આવાસ, આરોગ્ય, જળસંચય, સ્વચ્છતા અને પર્યાવરણના માધ્યમથી રાષ્ટ્રની ઉન્નતિનો નવો અધ્યાય લખાશે તેવો વિશ્વાસ મંત્રી કુંવરજીભાઈ એ વ્યક્ત કર્યો હતો.આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રાશનકાર્ડ, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો સહિત ૫૦ જેટલી વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ, ઉપપ્રમુખ હિતેશભાઈ થડેશ્વર કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રાંત અધિકારી આર. આર. ખાંભરા, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, મામલતદાર એન. કે. બલીયા, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો-લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.