error: This Content is protected !!

જસદણ વિંછીયાની મિશન મંગલમની બહેનોએ કરી વિધાનસભાની મુલાકાત મુખ્યમંત્રી અને ગ્રામ વિકાસ મંત્રી એ બહેનોને બિરદાવ્યા

સચિવાલય ખાતે મંત્રી કુંવરજીભાઈ નો પ્રેરણાદાયી સંવાદ મહિલાઓને માત્ર રોજગારી નહીં, સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા

 

 

 જસદણ અને વિંછીયા તાલુકાના મિશન મંગલમ’ સ્વ-સહાય જૂથ (SHG) સાથે જોડાયેલ મહિલાઓ ગત રોજ ગાંધીનગરની વિશેષ મુલાકાતે પધારી હતી. આ યાદગાર પ્રવાસ દરમિયાન બહેનોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ લોકશાહીની ગૌરવવંતી કામગીરીને નજીકથી નિહાળી હતી. 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ સ્વાવલંબી બહેનોની ઉત્સાહભેર મુલાકાત લઈને વિધાનસભા પરિસરમાં તેમની સાથે સ્મૃતિચિત્ર પડાવી મહિલા સશક્તીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના નર્મદા હૉલ ખાતે એક પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બહેનો સાથે સીધો વાર્તાલાપ કરીને તેમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષને બિરદાવ્યો હતો. 

મિશન મંગલમ અને સ્વ-સહાય જૂથ (SHG)ની બહેનો સાથે સંવાદ સાધતાં ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાના પરિવારનું સન્માનભેર ગુજરાન ચલાવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને માત્ર રોજગારી આપવા પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ સંપૂર્ણ આત્મનિર્ભર બને તેવો છે. સખી મંડળો આજે એવું શ્રેષ્ઠ માધ્યમ બન્યા છે, જેના થકી મહિલાઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે છે અને પારિવારિક તથા સામાજિક પ્રસંગોમાં આર્થિક રીતે મજબૂત સહયોગી બની રહ્યા છે.

મંત્રી કુંવરજીભાઈએ ઉપસ્થિત તમામ બહેનોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, આ ગાંધીનગરની મુલાકાત માત્ર એક પ્રવાસ બનીને ન રહે, પરંતુ અહીંથી મેળવેલી પ્રેરણા અને સરકારી યોજનાઓની માહિતી પોતાના ગામની અન્ય મહિલાઓ સુધી પહોંચાડે. દરેક સખી મંડળને સક્રિય બનાવી આત્મનિર્ભર ગ્રામીણ અર્થતંત્રના નિર્માણમાં મહિલાઓ સક્રિય ભાગીદાર બને તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સખી મંડળની બહેનો દ્વારા સફળતાપૂર્વક સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ અને સ્વ-રોજગારી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જનારી ‘ડ્રોન દીદી’ મહિલાઓની પ્રેરણાદાયી પ્રગતિ રજૂ કરતી શોર્ટ ફિલ્મ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સર્વેએ ઉત્સાહભેર બિરદાવી હતી.