વિધાનસભામાં જમીન મહેસૂલ સુધારા વિધેયક બીલ પસાર વિવાદ વિનાના જમીન દસ્તાવેજ નોંધણીના દિવસે જ પ્રમાણિત થશે
મહેસુલ અધિનિયમમાં સુધારાથી હવે નોંધ પ્રમાણિત કરવા માટે ખેડૂતો કે સામાન્ય નાગરિકોએ કચેરીના ધક્કા નહીં ખાવા પડે
સરકારે જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯માં વધુ એક સુધારો કરવા સાથે જમીન મહેસૂલ સુધારા વિધેયક ૨૦૨૬ આજે વિધાનસભામાં રજૂ કર્યુ હતુ અને જે બહુમતીથી પસાર થયુ હતુ.આ સુધારા વિધેયક મુજબ હવે વિવાદ કે તકરાર વિનાના જમીન દસ્તાવેજ નોંધણીના દિવસે જ પ્રમાણિત કરી આપવામાં આવશે.જેનાથી ખેડુતો-નાગરિકોને ફાયદો થશે.
ગુજરાત સરકારે ઈ-ધારા ડિજિટલ લેન્ડ રેકોર્ડ સિસ્ટમમાં ફેરફારની નોંધોને લગતી કાર્યરીતિને વધુ તર્કસંગત બનાવવા અને વાજબી લેવડદેવડનું પ્રમાણીકરણ સયમસર કરવા માટે જમીન મહેસૂલ અધિનિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજમાંથી ફેરફારની નોંધો ઉભી થાય તેવા કિસ્સામાં એટલે કે વેચાણખત કર્યા પહેલાના એક વર્ષ માટે હકપત્રકમાં કોઈ ફેરફાર નોંધાયો નથી અને જમેના દસ્તાવેજમાં નામ છે તે તમામ વ્યક્તિઓ વેચાણખત કર્યો છે તેમજ જમીનને લગતી કોઈ પણ તકરાર નથી તો આવી ફેરફારની નોંધોની કલમ ૧૩૫-ઘ(૨) હેઠળ જાણ કર્યા વિના એ જ દિવસે નોંધણી કરી શકાશે અને તેને પ્રમાણિત કરી શકાશે સક્ષમ સત્તાધિકારી કે કોર્ટે અથવા ટ્રિબ્યુનલે પસાર કરેલા હુકમમાંથી અથવા હુકમનામામાંથી ઉંદભવેલી ફેરફારની નોંધોની હુકમ મળ્યેથી તરત જ નોંધણી થઈ શકશે અને પ્રમાણિત થઈ શકશે.આ સુધારા વિધેયક સાથે સરકારે અગાઉનો વટહુકમ રદ કર્યો છે.આમ સુધારા વિધેયક સાથે હવે ખેડુતો કે સામાન્ય નાગરિકોનો જમીનનો વેચાણ દસ્તાવેજ જો અગાઉ કોઈ પણ તકરાર કે વિવાદ કે ટ્રીબ્યુનલ કેસ ન હોય તો તેમજ તમામ દસ્તાવેજમાં નામ છે તે તમામ વ્યક્તિઓની સહી સાથે સાચો અને સ્પષ્ટ દસ્તાવેજ હોય તો તે જ દિવસે રજિસ્ટ્રેશન સાથે પ્રમાણિતની નોંધ પડી જશે. એગાઉ ખેડુતો-નાગરિકોનો જમીન વેચાણ દસ્તાવેજ તરત થતો ન હતો અને નોટિસ-જાણ કરવા સહિતની પ્રક્રિયા સાથે રજિસ્ટ્રેશન અને પ્રમાણિત કરવાની પ્રક્રિયા લાંબી હતી.