વિંછીયા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો આરોગ્ય સુવિધાઓ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે મંત્રી કુંવરજીભાઈ
ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીને ઘર આંગણે જ તબીબી સેવા સારવાર અને નિષ્ણાંત તબીબો નું માર્ગદર્શન મળી રહે તેવો સરકારનો અભિગમ મંત્રી બાવળીયા
સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નિષ્ણાત તબીબી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે
આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદ નાગરિકોને સમયસર નિદાન અને નિષ્ણાત તબીબી માર્ગદર્શન મળી રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય સુવિધાઓ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના ઘરઆંગણે નિષ્ણાત તબીબી સેવાઓ અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા સેવાકીય આયોજનો જનઆરોગ્ય માટે મહત્વપૂર્ણ છે.
આ કેમ્પમાં આરોગ્ય વિભાગના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોની આરોગ્ય તપાસ, રોગનું નિદાન તથા જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં વા ની બીમારીના નિષ્ણાત ડૉ. મનિષ બાવળીયા, અસ્થિ રોગના નિષ્ણાત સર્જન ડૉ. ધીમંત મારવીયા,
મગજ અને ચેતાતંત્રના નિષ્ણાત ડૉ. દુષ્યંત સાંકળીયા, હૃદયરોગના નિષ્ણાત ડૉ. જીગ્નેશ વનાણી, મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત ડૉ. તેજસ ચૌહાણ, પેટની બીમારીઓના નિષ્ણાત ડૉ. ભાવિન બેરા, કેન્સર રોગના નિષ્ણાત ડૉ. સમીત પાનસોરા, ગંભીર બીમારીઓના નિષ્ણાત ડૉ. સંજય સદાદિયા, દાંતના રોગોના નિષ્ણાત ડૉ. અરવિંદ ડાભી, મોઢા, જડબાં અને ગળાના કેન્સરના નિષ્ણાત ડૉ. ભાવિન માધાણી, ડાયાબિટીસ, થાઇરોઈડ અને મેદસ્વિતા નિષ્ણાત ડૉ. ક્રિષ્ના મોરી તથા ડો. જિગ્ના માથોલીયા સહિતના તબીબોએ ઉપસ્થિત રહીને સેવા આપી હતી.
આ આરોગ્ય કેમ્પમાં વિંછીયા તાલુકા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિદાન સુવિધાનો લાભ મેળવ્યો હતો.