નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજૅ ખેડૂતોને કરોડોની કિંમતના દસ્તાવેજો પરત અપાશે હસ્તે શાપરમાં નવી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ
રાજકોટ ગ્રામ્યના પોલીસ સ્ટેશનોને ISO 9001: 2015 પ્રમાણપત્ર એનાયત કરાશે ISO 9001: 2015 સર્ટી. મેળવનારો રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજૅ ૧૫મી ઓક્ટોબર ને ગુરુવારે રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન શાપરમાં નવનિર્મિત વિભાગીય પોલીસ અધિકારી રાજકોટ ગ્રામ્ય ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરશે. આ કચેરીના પ્રારંભથી રાજકોટ શહેર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તાર, ગ્રામીણ વિસ્તાર તથા નવા વિસ્તારોમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે. રાજકોટ જિલ્લામાં કેટલાક ગુનાઈત તત્વોએ દગાબાજી અને છેતપિંડી કરીને ખેડૂતોની જમીન અને દસ્તાવેજો પડાવી લીધા હતા અને તેમને વ્યાજના વિષચક્રમાં ફસાવી દીધા હતા. જો કે રાજકોટ ગ્રામ્ય પોલીસે આ બાબતે કડક પગલાં લઈને ગુનાખોરો પર કડક કાયદાકીય સકંજો કસ્યો છે. આ બાબતે એસ.આઈ.ટી રચીને તપાસ કરીને ખેડૂતો પાસેથી પડાવાયેલી જમીન પરત મેળવવા ભગીરથ કામગીરી હાથ ધરાઈ હતી.
પોલીસ તંત્રએ સબરજિસ્ટ્રાર કચેરીના સહયોગથી, ૫૦૦થી વધુ વિઘા જમીનના આશરે કરોડો રૂપિયાની કિંમતના જમીનના દસ્તાવેજો પરત મેળવ્યા છે. આવતીકાલના કાર્યક્રમમાં ખેડૂતોને આ જમીનના દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પરત અપાશે.આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, શાખાઓ, કચેરીઓને ISO 9001: 2015 પ્રમાણપત્ર એનાયત કરશે. નોંધનીય છે કે, આ સર્ટિફિકેટથી પ્રમાણિત હોય તેવો રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ જિલ્લો છે. આ પ્રમાણપત્ર રાજકોટ જિલ્લા પોલીસના કામકાજની ગુણવત્તા, સ્વચ્છતા, રેકર્ડ મેનેજમેન્ટ, પારદર્શિતાને દર્શાવે છે. આ તકે લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ ‘પ્રેરણા નવા જીવનની’ના અહેવાલનું પણ વિમોચન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલ અંતર્ગત ૭૦૦ જેટલા લોકોનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોમાંથી મુક્ત કરાવીને જીવન જીવવાની નવી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.