જસદણમાં જૂના બસ સ્ટેન્ડની ફૂટપાથ પરથી પર પ્રાંતિય યુવકની લાશ મળી બીમારીથી મોત થયાનુ અનુમાન પોલીસે તપાસ શરૂ કરી
જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ ક્રિષ્ના એજન્સી સામે આવેલી ફૂટપાથ પરથી એક અજાણ્યા પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ભરચક વિસ્તારમાં લાશ મળી આવતાં આસપાસના વેપારીઓ અને રાહદારીઓનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી ક્રિષ્ના એજન્સી સામે ફૂટપાથ પર એક યુવક બેભાન હાલતમાં પડ્યો હોવાનું રાહદારીઓના ધ્યાને આવ્યું હતું. નજીક જઈને જોતાં યુવક મૃત્યુ પામ્યો હોવાનું માલૂમ પડયું હતું. પ્રાથમિક દૃષ્ટિએ યુવકનું મોત કોઈ ગંભીર બીમારીના કારણે થયું હોવાની લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ લોકોએ જસદણ પોલીસ મથકે જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે સ્થળ પર પંચરોજકામ હાથ ધરી લાશનો કબજો મેળવ્યો હતો અને મોતના ચોક્કસ કારણને જાણવા મૃતદેહને પીએમ અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
મૃતક યુવક ક્યાંનો રહેવાસી છે, તેનું નામ-સરનામું શું છે અને મોતનું સાચું કારણ શું છે તે તમામ દિશામાં જસદણ પોલીસ ઊંડાણપૂર્વકની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.