વિંછિયાના મોઢુકાના યુવકને મિત્ર સહિતના શખ્સોએ લાકડીથી ફટકાર્યો પોલીસ દોડી ગઈ
મિત્ર છોકરી ભગાડી ગયો હોય જે યુવક જાણતો હોવાની શંકા રાખી જંગલમાં ગાડીમાં પંચર પડી ગયું છે કહી પાના-પકડ લઈ બોલાવી મારમાર્યો
વિંછીયાના મોઢુકાના યુવકને મિત્રએ ફોન કરી જંગલમાં ગાડીમાં પંચર પડયું છે આથી તું પાના પકડ લઈને આવ કહી બોલાવ્યા બાદ અન્ય શખ્સો સાથે મળી કારમાં અપહરણ કરી જનડા કંધેવાળિયા ગામે લઈ જઈ ઢીકાપાટુનો અને લાકડીથી મારમારતા મૂંઢ ઇજા થવાથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. યુવકનો મિત્ર મુત્રૉની ભાણેજને ભગાડી ગયો હોય તેની જાણ યુવકને હોવાની શંકાએ મારમાર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વિછિયા પોલીસે યુવકનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોઢુકા ગામે રહેતો અને છૂટક મજૂરી કામ કરતો મેહુલ સામતભાઈ શિયાળ (ઉં.વ.૨૨) યુવક બપોરે ઘરે હતો ત્યારે મિત્ર મનસુખનો ફૉન આવ્યો હતો અને પોતે જંગલ વિસ્તારમાં છે અને ગાડીમાં પંચર પડ્યું હોવાથી તું પાના પકડ લઈને આવ તેમ કહેતા યુવક તેના મિત્ર વીરુ સાથે મોઢુકાની સિમ વિસ્તારમાં વીડીમાં ગયો હતો જ્યાં મનસુખ રતુ અને મુત્રો ઉભા હોય યુવક સાથે મુત્રાએ ઝગડો કરી મારકૂટ કરતા મિત્ર વીરુ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે બાદ આરોપીઓ યુવકને કારમાં બેસાડી જનડા કંધેવાળિયા ગામે લઇ ગયા હતા ત્યાં મુત્રાએ ફડાકા મારી બોલ તારો મિત્ર મારી ભાણેજને ક્યાં લઈ ગયો છે અને તું આ વિશે શું જાણે છે, યુવકે આ બાબતે કાઈ જાણતો ન હોવાનું કહેતા ત્રણેયે લાકડી વડે આડેધડ મારમારતા ઇજા થવાથી પ્રથમ વિછિયા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં , ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિછિયા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.