જસદણની પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા અનોખી પહેલ 1લી જાન્યુઆરીથી શરૂ થશે સિનિયર સિટીઝન લાફિંગ ક્લબ નવા વર્ષથી વડીલોના જીવનમાં ગુંજશે હાસ્યના ફુવારા દાન લીધા વિના ચાલતી સંસ્થા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમવાર અનોખું આયોજન.
જસદણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા નવા વર્ષના પ્રારંભે વડીલો માટે એક પ્રેરણાદાયી અને નવતર અભિગમ સાથે નવી પહેલ કરવામાં આવી રહી છે. આગામી 1લી જાન્યુઆરી, 2026 થી વડીલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાને રાખી શહેરમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન લાફિંગ ક્લબનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે.
હાસ્ય સાથે વડીલોનું મનગમતું પ્રવૃત્તિ ધામ જસદણના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સંસ્થા દ્વારા આ પ્રકારના અલૌકિક કાર્યનું આયોજન થઈ રહ્યું છે. આ લાફિંગ ક્લબ માત્ર હાસ્ય પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ અહીં સિનિયર સિટીઝન્સને ગમે તેવી વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. વડીલોના એકલવાયા જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે આ ક્લબ એક ઉત્તમ માધ્યમ બનશે.
સ્વ-નિર્ભરતાનો અનોખો આદર્શ.
આ સંસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે, પ્રભુ સદભાવના સેવા સમિતિ આ પ્રવૃત્તિઓ માટે કોઈપણ પ્રકારનું બહારનું દાન સ્વીકારતી નથી. સંસ્થાના સભ્યોના સહયોગ અને મજબૂત નિશ્ચય સાથે વડીલોની સેવા કરવાનું આ બીડું ઝડપવામાં આવ્યું છે. વડીલો એ આપણી સંસ્કૃતિનું મૂળ છે. તેમને તણાવમુક્ત અને ખુશહાલ જીવન આપવા માટે આ લાફિંગ ક્લબ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝનનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આનંદ મેળવી શકે સંસ્થાના આગેવાનો સુરેશભાઈ ધોળકિયા વિજયભાઈ રાજપુત સહિતની ટીમ દ્વારા અનોખું અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે