error: This Content is protected !!

પતિના ત્રાસથી કંટાળેલી પત્નીની મદદે આવી ૧૮૧ અભયમ ટીમ કાઉન્સેલિંગ દ્વારા દંપતીનું સુખદ મિલન કરાવ્યું

પારિવારિક હિંસા અને નશાના કારણે તૂટતા પરિવારોને બચાવવામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં રાજકોટના એક વિસ્તારમાંથી ૧૮૧ હેલ્પલાઇન પર એક પીડિત પરીણિતાનો કોલ આવ્યો હતો, જેમાં તેમણે પોતાના પતિ દ્વારા કરવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે મદદ માંગી હતી.ઘટનાની ગંભીરતા જોઈ ૧૮૧ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે જોયું કે ઘરમાં વાસણો અને કપડાં વેરવિખેર હતા. ટીમે સૌ પ્રથમ પીડિતાને સાંત્વના આપી અને ત્યાર બાદ પતિનું કડક શબ્દોમાં કાઉન્સેલિંગ કર્યું હતું. પતિને નશાની કુટેવથી પરિવાર પર થતી અસરો અને ઘરગથ્થુ હિંસા અંગેની કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. અભયમ ટીમના કાઉન્સેલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે પત્ની અને બાળકોની માફી માંગી હતી અને ખાતરી આપી હતી કે હવેથી તે નશો નહીં કરે, ઘરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે અને પરિવારનું યોગ્ય રીતે ધ્યાન રાખશે. દંપતી વચ્ચે વર્ષો જૂના વિખવાદનો અંત લાવી ૧૮૧ની ટીમે તેમનું સુખદ મિલન કરાવ્યું હતું.