રાજકોટ જિલ્લામાં મતદાન અને મતગણતરીના દિવસોમાં ‘ડ્રાય ડે’ દારૂ સહિતના નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ
૨૪ એપ્રિલ સાંજથી ૨૬ એપ્રિલ સુધી અને ૨૮ એપ્રિલના રોજ આખો દિવસ ડ્રાય,ડે, જાહૅર હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે
રાજકોટ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને શાંતિપૂર્ણ માહોલ જળવાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત દારૂ તથા નશાકારક પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. ઓમ પ્રકાશે જાહેરનામા મારફત ફરમાવ્યું છે કે, તા. ૨૪ એપ્રિલ રોજ સાંજે છ કલાકથી મતદાન પૂર્ણ થવાના સમય એટલે કે તા. ૨૬ એપ્રિલે સાંજે છ કલાક સુધી રાજકોટ જિલ્લામાં ‘ડ્રાય ડે’ રહેશે. કોઈ સંજોગોમાં પુનઃ મતદાનની જરૂરિયાત ઊભી થાય તો તા. ૨૭ એપ્રિલે સાંજે છ કલાક સુધી આ પ્રતિબંધ અમલી રહેશે.ઉપરાંત, મતગણતરીના દિવસે તા. ૨૮ એપ્રિલના રોજ આખો દિવસ ‘ડ્રાય ડે’ રહેશે. આ નિયત કરેલા દિવસો અને સમય દરમિયાન તમામ વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.-૦૧ અને એફ.એલ.-૦૨ પરવાનેદાર) તેમજ પોષ ડોડાનું વેચાણ કરતા પરવાનેદારોએ પોતાની દુકાનો બંધ રાખવાની રહેશે. આજુબાજુના વિસ્તારોમાંથી દારૂની ગેરકાયદે હેરાફેરી ન થાય તે માટે પણ તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.