error: This Content is protected !!

રાજકોટમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ૨૧મી જૂને જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાશે

રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે થનારી ઉજવણી અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

 

 રાજ્યમાં ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ૨૧મીએ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રેસકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા, કોલેજના છાત્રો, સામાજિક, ધાર્મિક, સ્વયંસેવી સંસ્થાઓના સ્વયંસેવકો ઉપરાંત જાહેર નાગરિકોને આ ઉજવણીમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું. 

 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિ. કલેક્ટર ટીના કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.