જસદણના જુના બસસ્ટેન્ડ પાસે બાઈક સાઈડમાં લેવા મામલે બે યુવક પર હુમલો
બૅ દીવસ પહેલાં મારામારીનો વિડીયો વાયરલ થતાં 22 વર્ષીય યુવાને ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવી
જસદણના જુના બસસ્ટેન્ડ પાસે બાઈક સાઈડમાં લેવા મામલે બે યુવક પર ચાર શખ્સોએ હુમલો કરવાનો બનાવ બન્યાં બાદ ઘટનાનો વિડીયો વાયરલ થતાં ચાર શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે જસદણમાં વિંછીયા રોડ પર તાલુકા પંચાયત પાછળ રહેતાં સોહનભાઇ ઉર્ફે કાળું અનિલભાઈ સાઢમીયા (ઉ.વ.22) યે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંતોષ રમેશ મકવાણા, દેવદાન રમેશ મકવાણા, પ્રવીણ કાળુ મકવાણા અને જગદીશ રામજી સોલંકી (રહે.તમામ જસદણ) નું નામ આપી જણાવ્યું હતું કે, તે મજુરીકામ કરી ગુજરાન ચલાવે છે. ગઈ તા.09 ના તે અને તેમના કાકાનો દીકરો જાદવ જયેશભાઇ સાઢમીયા બાઈકમાં જસદણ મેઇન બજારમાં ખરીદી કરવા માટે ગયેલ હતા. જસદણ જુના બસ સ્ટેશન પાસે આવેલ ચાંદની પાનના ગલ્લા પાસે યુવાન પોતાનું બાઈક લઇને ઉભો રહેલ અને જાદવ નીચે ઉતરેલ હતો. યુવક તેની મમ્મીની રાહે ઉભો રહેલ તેવામાં થોડીવારમા જસદણ લાતી પ્લોટમાં રહેતો સંતોષ મકવાણા ઘસી આવી તેનું બાઈક ત્યાં પડેલ હોય જે બહાર કાઢવા માટે યુવકને બાઈક લેવાનું કહેતાં બાઈક થોડુ સાઇડમા કરતા તેણે ફરીથી ગાળો આપી બાઈક લઇ લેવા કહેતા બંનેને સામ સામી બોલાચાલી થઈ હતી.તેમજ સાંતોષ ઝપાઝપી કરવા લાગેલ અને સંતોષે બાજુમાંથી એક (પી.વી.સી.) પાઇપ ઉપાડી માર મારવા લાગેલ જેથી યુવકના કાકાનો દીકરો જાદવો વચ્ચે પડતા આ સંતોષે તેના ભાઇ દેવદાનને ફોન કરીને ત્યાં બોલાવેલ અને બંને જણા ઢીકા પાટુ મારવા લાગેલ હતાં. દેવદાને તેના નેફામાંથી એક છરી કાઢેલ જે કવરમા બંધ હતી તે બંધ છરીના ઉંધા ઘા પીઠના ભાગે મારેલ અને કાકાનો દીકરો જાદવો છોડાવવા આવતા આ સંતોષે તેના મિત્રો પ્રવિણ મકવાણા તથા જગદીશ સોલંકીને ત્યાં બોલાવેલ અને આરોપી ઢીકાપાટુ મારવા લાગેલ હતાં. દરમિયાન ત્યાં પોલારપર ગામના સબંધી વનરાજ વાજેલીયા આવી જતા વધુ મારમાંથી છોડાવી ત્યાંથી લઇ ગયેલ હતાં. જે બાદ તે દીવસે રાત્રે દસ વાગ્યાની આસપાસ બંને પરત ઘરે આવેલ અને મોબાઇલ ફોનમા જોયેલ કે, જુના બસ સ્ટેશને ઝઘડો થયેલ તેનો વીડીયો વાયરલ થયેલ છે અને પોલીસ તેને શોધે છે. જેથી યુવકે જસદણ પોલીસ સ્ટેશને દોડી જઈ ફરીયાદ નોંધાવી હતી.