વિંછિયાના ગુંદાળા અને અરણીની સીમમાં ચાલતાં જુગારધામમાં દરોડો પત્તા ટીચતા 13 શખ્સો ઝડપાયા
સ્થાનીક પોલીસે બંને સ્થળે દરોડો પાડી પટમાંથી રૂ.1.37 લાખની રોકડ અને ટોર્ચ સહિતનો મુદામાલ કબ્જે કર્યો
વિંછિયાના ગુંદાળા ગામે સરકારી ખરાબા પાસે રાત્રીના ટોર્ચના અજવાળે જુગાર રમતા આઠ શખ્સોને સ્થાનીક પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂ.1.27 લાખ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે ભાયાવદર પોલીસે અરણી ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા વાડી માલિક સહિત પાંચ જુગારીને ઝડપી લીધા હતાં. દરોડાની વિગતો મુજબ, વિંછિયા પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરની રાહબરી હેઠળ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગુંદાળા ગામે બિલેશ્વર ડુંગર પાસે બુધાભાઇ નાજાભાઇ મિયાત્રાની વાડીના શેઢાની પાસે ખરાબાની જમીનમાં લીંબડાના ઝાડ નીચે જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.જેમાં ઝડપાયેલા શખ્સોમાં મનસુખ માવજી ઝાપડીયા (રહે. અજમેર, વીંછિયા), અજય અરવિંદ રાઠોડ (રહે. બાબરા), ઘનશ્યામ જસમત બારૈયા (રહે.જસદણ), પ્રવિણ વિરજીભા નાગાણી (રહે.જસદણ), જસમત ખીમા જેજરીયા (રહે. ગુંદાળા), હરી સુરેશ ખશીયા (રહે. બાબરા), પ્રવિણ હકા ભુસડીયા (રહે. ગુંદાળા) અને વિજય વિનુ કામડ (રહે.બાબરા) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.1,27,400 તથા ટોર્ચ લાઇટ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, જુગાર રમતા ઝડપાયેલા ઘનશ્યામ બારૈયા, પ્રવિણ નાગાણી, પ્રવિણ ભુસડીયા સામે અગાઉ પણ જુગારના ગુના નોંધાઇ ચૂકયા છે. બીજા જુગારના દરોડામાં ભાયાવદર પોલીસે અરણી ગામની સીમમાં જીતુ ભાલોડીયાની વાડીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જેમાં વાડી માલિક જીતેન્દ્ર જેરામ ભાલોડીયા, સુરેશ ગોરધન દલસાણીયા, વિનુ પ્રેમજી તાળા, કપિલ વિનુ ઘુઘલ અને હિરા રામજી વાઘનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.10,120 કબ્જે કરી કાર્યવાહી કરી હતી.